‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સૌરવ દાસને દિલ્હી પોલીસે ફરી એકવાર અટકાયતમાં લીધા છે. અહેવાલો અનુસાર દાસ તેમના કેટલાક મિત્રો સાથે જંતર-મંતર પહોંચ્યા હતા. તેમની સાથે CJPના સહ-સંયોજક આશુતોષ રાંકાની પણ અટકાયત કરવામાં આવી હતી.
દાસ, રાંકા અને CJPના અન્ય સભ્યો JDU કાર્યાલયના પરિસર થઈને જંતર-મંતર નજીકના વિસ્તારમાં પ્રવેશ્યા હતા, ગેટ કૂદીને જંતર-મંતર તરફ ગયા હતા, જ્યાં દિલ્હી પોલીસે તે બધાને અટકાયતમાં લીધા હતા. પોલીસ આ મામલે FIR પણ નોંધી શકે છે.
આશુતોષ રંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં “ભારત માતા કી જય”ના નારા લગાવવામાં આવતા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરવામાં આવતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, CJPના સભ્યો અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અગાઉ શનિવારે દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર ખાતે મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી હતી.
દરમિયાન, દિલ્હી પોલીસે સોમવારે જંતર-મંતર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે; હવે ત્યાં વિરોધ પ્રદર્શનો અને ધરણાં કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અહેવાલો અનુસાર, સુરક્ષાના કારણોસર પોલીસે આ નિર્ણય લીધો છે. વિરોધ પ્રદર્શનો માટે ત્રણ નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે: રામલીલા મેદાન, બુરારી મેદાન અને CBD ગ્રાઉન્ડ.
