સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોની હડતાળ

કંડમ ગાડીઓ અને પગાર કાપના મુદ્દે,સિવિલ હોસ્પિટલમાં ડ્રાઇવર રૂૂમ ખાલી: 8 ડ્રાઇવરો ફરજ છોડી ઘરે ચાલ્યા જતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ: દર્દીઓના સગા હેરાન-પરેશાન,બિસ્માર એમ્બ્યુલન્સ અને…

કંડમ ગાડીઓ અને પગાર કાપના મુદ્દે,સિવિલ હોસ્પિટલમાં ડ્રાઇવર રૂૂમ ખાલી: 8 ડ્રાઇવરો ફરજ છોડી ઘરે ચાલ્યા જતાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ: દર્દીઓના સગા હેરાન-પરેશાન,બિસ્માર એમ્બ્યુલન્સ અને ઓવર ટાઇમના નાણાં ન મળતા ડ્રાઇવરોમાં ભારે રોષ

સિવિલ હોસ્પિટલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અચાનક જ એમ્બ્યુલન્સ રૂૂમમાં ફરજ બજાવતા 8 જેટલા ડ્રાઇવરો પોતાની કામગીરી બંધ કરીને ઘરે જતા રહ્યા છે. ડ્રાઇવરોના આ રીતે અચાનક ચાલ્યા જવાના કારણે હોસ્પિટલનો ડ્રાઇવર રૂૂમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે. ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે હોસ્પિટલમાં આવતા ગંભીર દર્દીઓ અને તેમના સબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીના સગા વ્હાલાઓ લાચાર બનીને એમ્બ્યુલન્સ મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે અને હોસ્પિટલ તંત્રની કટોકટી વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

ફરજ પરથી ઉતરી ગયેલા એમ્બ્યુલન્સ ડ્રાઇવરોએ તંત્ર અને એજન્સી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ડ્રાઇવરોનું કહેવું છે કે હોસ્પિટલની મોટાભાગની એમ્બ્યુલન્સ ગાડીઓ એકદમ કંડમ અને બિસ્માર હાલતમાં છે, જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે. આ ગાડીઓનું સમયસર કોઈ કામ કે મેઈન્ટેનન્સ કરવામાં આવતું નથી, જેથી જીવના જોખમે ગાડીઓ ચલાવવી પડે છે. આ ઉપરાંત ડ્રાઇવરોએ જણાવ્યું કે તેઓને અવારનવાર દૂરના લાંબા રૂૂટ પર મોકલવામાં આવે છે અને તેમની પાસે ઓવર ટાઈમ કરાવવામાં આવે છે, પરંતુ આ ઓવર ટાઈમનું કોઈ પણ પ્રકારનું મહેનતાણું કે પૈસા ચૂકવવામાં આવતા નથી, જેને લીધે તેમનું ભારે આર્થિક શોષણ થઈ રહ્યું છે.

પગાર ધોરણ અંગે પોતાની વ્યથા ઠાલવતા ડ્રાઇવરોએ જણાવ્યું કે તેમનો ફિક્સ પગાર રૂૂપિયા 17,000 નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ તેમાંથી દર મહિને રૂૂપિયા 2,000 પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પેટે કાપી લેવામાં આવે છે અને તેમના હાથમાં માત્ર રૂૂપિયા 15,000 જ આવે છે. મોંઘવારીના આ સમયમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આ અન્યાયી પગાર કાપ, પીએફના પ્રશ્નો અને અન્ય પડતર માંગણીઓને લઈને આજે હોસ્પિટલના આર.એમ.ઓ. સાથે ડ્રાઇવરોની એક તબક્કાની મિટિંગ યોજાઈ હતી. જોકે, આ મિટિંગમાં હજુ સુધી કોઈ ચોક્કસ સુખદ ઉકેલ આવી શક્યો નથી. આ વિવાદનો અંત લાવવા માટે આજે સાંજે ફરી એક વખત આર.એમ.ઓ. સાથે ડ્રાઇવરોની મહત્વની બેઠક યોજાનાર છે, જેમાં દર્દીઓની હાલાકી દૂર થાય અને ડ્રાઇવરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *