પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા નવું સેટઅપ ઉભું કરવા રજૂઆત
શહેરમાં ચોમાસુ બેસતા જ અલગ અલગ પ્રકારના રોગચાળાએ ઉછાળો માર્યો છે. જેની સામે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ વોર્ડમાં ડોર ટુ ડોર કામગીરી હાથ ધરી તેમજ ફોગીંગ અને પોરાનાશક કાર્યવાહી કરી દર સપ્તાહે આરોગ્યના આકંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે જે પુરતા ન હોવાનું પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા કહેવાયું છે કારણ કે, છેલ્લા 47 વર્ષથી આરોગ્ય વિભાગમાં એક પણ પોસ્ટ ઉપર નવી ભરતી ન થતાં અને શહેરનો વ્યાપ તે સમયની દ્રષ્ટિએ ચારગણો વધવાથી આરોગ્ય વિભાગ તમામ સ્થળોએ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોય નવુ સેટઅપ ઉભુ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના પછાત વર્ગ કર્મચારી મંડળ દ્વારા સરકારમાં રજૂઆત કરી જણાવેલ છે કે, મહાનગરપાલિકાની હદનું સમયે સમયે વિસ્તરણ થયેલ છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આજ સુધી ભરતી કરવામાં આવી નથી. 1998માં રૈયા, નાના મૌવા, મવડી તથા 2015માં કોઠારિયા, વાવડી અને 2020માં ઘંટેશ્ર્વર, માધાપર, મુંજકા, મોટા મૌવા, મનહરપુર-1 વગેરે ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ મનપાની હદમાં કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થતાં મહાનગરપાલિકાનો વિસ્તાર પહેલા 79 કિ.મી.નો હતો જે હવે 161 કિ.મી.નો થઈ ગયેલ છે. કુલ ક્ષેત્રફળ સાથે 18 વોર્ડની અંદાજીત 20 લાખતી પણ વધુ વસ્તી છે.
ત્યારે મહાનગરપાલિકાની અર્બન નીલ એરિયા સ્કીમનું જુનું મહેકમનું સેટઅપ 1978માં તૈયાર કરવામાં આવેલ જેની સામે શહેરનું ક્ષેત્રફળ અને વસ્તીમાં વધારો થયો હોવાથી આરોગ્ય વિભાગનું મહેકમ અપુરતું હોવાના કારણે મચ્છરજન્ય અને વાહક જન્ય રોગનિયંત્રણની અસરકારક કામગીરી થઈ શકતી નથી જેના લીધે રોગચાળો બેકાબુ થયો છે.
રાજકોટ મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોનો સમાવેશ થતાં તેમજ વસ્તીમાં પણ વધારો થયેલ હોવા છતાં શહેરી મેલેરિયા યોજનાના હેકમ સેટઅપમાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારનો વધારો થયેલ નથી. મનપાની અર્બન મેલેરિયા સ્કીમનું હાલમાં મહેકમ સેટઅપ અપુરતું છે જેથી નવુ સેટઅપ ઉભુ કરવામાં આવે નહીં તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઈલેરિયા જેવા વાહક જન્ય રોગ નિયંત્રણ બહાર થશે. આરોગ્ય સેવાનું માળખુ વ્યવસ્થિત બને તે માટે અર્બન મેેલેરિયા મહેકમ સ્ટાફ સેટપ વધારવા તથા તેને મંજુર કરવા જરૂરી બન્યા છે.
આરોગ્ય વિભાગનું હાલનું સેટઅપ
બાયો લોજીસ્ટ 4
મેલેરિયા ઈન્સ્પેક્ટર 12
સુપિરિયર ફિલ્ડવર્કર 117
ડ્રાયવર 4
ફિલ્ડવર્કર 525
મેલેરિયા માટે જૂનિયર ક્લાર્ક 3
સિનિયર ક્લાર્ક 1
કુલ સેટઅપ 666
