યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં ભારત સહિત 47 દેશોના નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે રશિયા આ સંઘર્ષમાં તે દેશોના નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે ભારત અને અન્ય દેશોની સરકારોને અપીલ કરી હતી કે તેઓ તેમના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે અને તેમને યુદ્ધના મોરચા સુધી પહોંચતા અટકાવે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા પર દબાણ વધારવા માટે તેના નાણાકીય સંસાધનો અને યુદ્ધ લડવાની ક્ષમતાને મર્યાદિત કરવી આવશ્યક છે.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધતા ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં 47 દેશોના નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે ખાસ કરીને ભારત, ઘાના, નેપાળ, તાજિકિસ્તાન, યમન, કેન્યા, ઝિમ્બાબ્વે, ક્યુબા, બેલારુસ, સુદાન અને દક્ષિણ આફ્રિકા સહિતના અનેક દેશોના નામ લીધા હતા. ઝેલેન્સ્કીએ નોંધ્યું હતું કે આ દેશોના નાગરિકોને કથિત રીતે છેતરપિંડી અને પ્રપંચ દ્વારા રશિયા લઈ જવામાં આવ્યા હતા અને હવે તેઓ યુદ્ધના મેદાનમાં માર્યા જઈ રહ્યા છે. તેમણે આ દેશોના પ્રતિનિધિઓને સીધી અપીલ કરી હતી કે તેઓ તેમના નાગરિકોનું ધ્યાન રાખે અને તેમને યુદ્ધના મોરચા તરફ જતા અટકાવે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે સંબંધિત દેશોએ તેમના નાગરિકોને આ યુદ્ધમાં વધુ આગળ જતા રોકવા જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોઈ પણ દેશે તેમને પોતાના નાગરિકોને આ સંઘર્ષમાં ખેંચવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ઝેલેન્સ્કીએ રશિયાને મળતા ભંડોળ અને યુદ્ધ ચાલુ રાખવાની તેની કાર્યકારી ક્ષમતાને મર્યાદિત કરવાની જરૂૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જે દેશો વેપાર દ્વારા રશિયાને નોંધપાત્ર આવક પૂરી પાડે છે, તેઓ વાસ્તવમાં યુદ્ધને લાંબું ખેંચવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.
ઝેલેન્સ્કીએ રશિયાના યુદ્ધ પ્રયાસોમાં નાગરિકોના ઉપયોગ અંગેના આરોપોના સંદર્ભમાં જ નહીં, પરંતુ કાળા સમુદ્ર માં તણાવ ઘટાડવાના પ્રયાસોમાં ભારતની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત, ઇજિપ્ત અને તુર્કીએ કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષિત અવરજવર પુન:સ્થાપિત કરવા માટે પ્રસ્તાવો રજૂ કર્યા છે. ઝેલેન્સ્કીએ દરિયાઈ યુદ્ધવિરામને સમર્થન આપવાની યુક્રેનની તૈયારીની પુષ્ટિ કરી અને જણાવ્યું કે તેઓ હવે રશિયાના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે.
