રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગઈકાલે 793.45 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શહેરમાં જે સ્થળોએ નીકળ્યા તે સ્થળો પર આમ પ્રજાને બે દિવસ સુધી ભારે હાલાકી અને હાડમારી વેઠવી પડી હતી.
કારણકે મુખ્યમંત્રી નો કાફલો અંદાજે 25 ગાડીઓ જ્યાં સુધી નીકળે તે પૂર્વે રસ્તાઓ અને શેરી ગલીઓના નાકાઓ ઉપર પોલીસે આડેધડ મન ફાવે તે પ્રકારે મન પડે તેમ ટ્રાફિક બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી હતી. લોકો આ ટ્રાફિક માં ફસાતા લોકોમાં મુખ્યમંત્રી સામે રોષની લાગણી ફેલાઈ હતી.
ગાંધીના ગુજરાતમાં વીઆઈપી કલ્ચર સામે આમેય લોકોને નારાજગી છે સાદાઇની અને ગાંધીજીના સિદ્ધાંતોની વાતો કરનારાને આટલી બધી ગાડીઓ સાથે શહેરમાં ફરવાની સી જરૂૂર પડી ? કરકસરયુક્ત વહીવટ ની વાતો વચ્ચે સરકારી કચેરીઓના ઇંધણ બગાડી, સમય બરબાદ કરી લોકોને હાલાકી ભોગવવી પડે આ તે કેવું ? ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત શાસનની વાતો કરીને શાસનની ધુરા સંભાળનાર શાંત અને સલામત ગુજરાતની વાતો વચ્ચે મુખ્યમંત્રીને રંગીલા રાજકોટમાં આટલી બધી પ્રોટેક્શનની શી જરૂૂર પડે ?
રાજકોટ શહેર એ મેગાસિટીની હરણફાળ તરફ આગળ વધતું શહેર બનતું જાય છે ત્યારે શૈક્ષણિક હબ બની ગયેલા રાજકોટમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે મુખ્યમંત્રી રાજકોટમાં ના આવે તો પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી હોય છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળે છે ત્યારે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા બેઠકો કરી લોકોને ટ્રાફિક સમસ્યા માંથી છુટકારો આપવાને બદલે મુખ્યમંત્રીના રિહર્સલ અને આગમન અને શહેરમાં જે સ્થળોએ ગયા ત્યાં ટ્રાફિકની અંધાધુંધી મુખ્યમંત્રીને નજરે પડી નહીં તેમ ઝાલા, આસવાણી, વિરાણીએ જણાવ્યું હતું.