લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાની ફરિયાદ, રોષ ફેલાયો
જામનગર શહેરમા અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગંદકી અને ફીણ આવવાની સમસ્યાએ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જગાવ્યો છે. શહેરના દિગ્વિજય પ્લોટ, કૈલાશ નગર અને ગોકુલ નગર સહિતના વિસ્તારોમાં નળમાં આવતું પાણી એટલું ગંદુ અને ફીણવાળું છે.
સ્થાનિક મહિલાઓ હવે કટાક્ષમાં કહે છે કે, કપડાં ધોવા માટે ડિટર્જન્ટની જરૂૂર જ નહીં પડે, મહાનગરપાલિકા દ્વારા અપાતા આ પાણીથી જ કપડાં ધોઈ શકાય છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું આ છે અમૃતમ યોજનાનું ફળ? શું આ જ હતું સરકારનું સ્વચ્છ પાણી આપવાનું સ્વપ્ન? શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં ગંદકી જોવા મળી રહી છે, જેના કારણે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે.
મહાનગરપાલિકાનું આંધળું તંત્ર અને મ્યુનિસિપલ કમિશનરની મૌન રણનીતિને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે શું મહાનગરપાલિકાના અધિકારીઓ આ પીવાનું પાણી પીવે છે? જો પીતા હોત તો તેઓને ખબર પડત કે આ પાણી પીવા લાયક નથી. સ્થાનિકોનું કહેવું છે કે, મહાનગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ, નહીં તો લોકો આંદોલન કરવા માટે મજબૂર થશે.