પીપરાળી ગામે CISF જવાનની પત્નીનો ઝેરી દવા પી આપઘાત

ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતા સીઆઈએસએફ જવાનની પત્નીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે…

ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતા સીઆઈએસએફ જવાનની પત્નીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ચોટીલા તાલુકાના પીપરાળી ગામે રહેતા કંકુબેન મહેશભાઈ સાકરીયા (ઉ.28) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક કંકુબેનનો પતિ સીઆઈએસએફ જવાન હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેનું માવતર ચોટીલાના ભીમગઢ ગામે રહે છે. પરિણીતાએ આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવથી ત્રણ વર્ષની પુત્રી સહિત બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *