અમદાવાદની હવામાં પહેલીવાર ‘ક્લોરિન’ ઝેર મળ્યું

સવારે 9થી 11 વાગ્યાના પીક અવર્સ દરમિયાન જમીન સ્તરના પ્રદૂષણમાં ભયજનક વધારો, ઓફિસ અવર્સ દરમિયાન લોકોને ભયજનક અસર જ્યારે પણ વાયુ પ્રદૂષણની જાહેર ચર્ચા થાય…

સવારે 9થી 11 વાગ્યાના પીક અવર્સ દરમિયાન જમીન સ્તરના પ્રદૂષણમાં ભયજનક વધારો, ઓફિસ અવર્સ દરમિયાન લોકોને ભયજનક અસર

જ્યારે પણ વાયુ પ્રદૂષણની જાહેર ચર્ચા થાય છે, ત્યારે તે હંમેશા કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડની આસપાસ જ ફરતી રહે છે. પરંતુ, એક નવા અને ચોંકાવનારા અભ્યાસમાં ભારતીય શહેરો, ખાસ કરીને અમદાવાદની હવામાં પ્રદૂષણ ફેલાવતા એક “નોંધપાત્ર છતાં અન્ડરસ્પેન્ડ” (અદ્રશ્ય) પરિબળની શોધ કરવામાં આવી છે. આ પરિબળ છે – ઝેરી ધુમ્મસ ઉત્પન્ન કરતો માનવ-સર્જિત ’ક્લોરિન’. આ મહત્વપૂર્ણ અભ્યાસ તાજેતરમાં પ્રતિષ્ઠિત ’નેચર’ જર્નલમાં “લિંકિંગ એન્થ્રોપોજેનિક ક્લોરિન એમિશન ટુ રિજનલ એર ક્વોલિટી ઈન ઈન્ડિયા” શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે.

આ સંશોધનમાં IIT મદ્રાસના અંકિત પટેલ, માલાસાની ચક્રધર રેડ્ડી અને ગોવિંદન પંડિતુરાઈ સહિત સેન્ટર ફોર એટમોસ્ફેરિક એન્ડ ક્લાઈમેટ સાયન્સિસ, હાર્વર્ડ, ઓક્સફોર્ડ, જ્યોર્જિયા ટેક અને મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટના નામાંકિત વૈજ્ઞાનિકો જોડાયા હતા.

સંશોધકોએ પહેલીવાર ભારતના છ મુખ્ય સ્થળો – અમદાવાદ, દિલ્હી, કાનપુર, ચેન્નાઈ, મુન્નાર અને મહાબળેશ્વરનું એન્થ્રોપોજેનિક (માનવ-સર્જિત) ક્લોરિન ફૂટપ્રિન્ટ મેપિંગ કર્યું છે. આ અભ્યાસના તારણો અત્યંત ચિંતાજનક છે. અભ્યાસ જણાવે છે કે, “ભારત વિશ્વમાં માનવ-ઉત્પાદિત ક્લોરિનનું ઉત્સર્જન કરતો ચીન પછીનો બીજો સૌથી મોટો દેશ છે.” આ ઉત્સર્જનના મુખ્ય સ્ત્રોતોમાં ઘરેલું રસોઈ માટે લાકડા અને છાણા બાળવા (55.9% હિસ્સો), ખુલ્લા કચરાને બાળવાથી (19.2%) અને ઔદ્યોગિક કોલસાના દહનથી (13%) થાય છે. આ પ્રદૂષણ લગભગ 700 મિલિયન (70 કરોડ) લોકોના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગાડે છે અને PM2.5કણોના સ્તરને ભયજનક રીતે ખરાબ કરે છે.

અમદાવાદ માટે આ સમસ્યા રાસાયણિક રીતે એક અલગ જ સ્વરૂૂપ ધારણ કરે છે. અમદાવાદમાં હવામાં “ઓછો ભેજ” (ઘણીવાર 50% થી ઓછો) હોવાને કારણે ક્લોરિન સૂક્ષ્મ ઘન કણોમાં રૂૂપાંતરિત થઈ શકતો નથી અને તેનું ઘનીકરણ અટકે છે. શુષ્ક હવા ક્લોરિનને અસ્થિર અને પ્રતિક્રિયાશીલ રાખે છે. રાતોરાત આ ક્લોરિન નાઈટ્રોજન સંયોજનો સાથે જોડાઈને ’નાઈટ્રિલ ક્લોરાઈડ’ બનાવે છે, જે એક પ્રકારનો રાત્રિનો “નિશાચર જળાશય” ઊભો કરે છે (જેની સાંદ્રતા 700 ભાગો પ્રતિ ટ્રિલિયન સુધી પહોંચે છે). અમદાવાદ શહેર વાયુયુક્ત હાઇડ્રોજન ક્લોરાઇડ (HCl) એકઠું કરે છે, જે તેને ક્લોરિન પ્રદૂષણનું “મુખ્ય હોટસ્પોટ” બનાવે છે.

પરિણામે, સવારે 9 થી 11 વાગ્યાની વચ્ચે જમીન-સ્તરના ઓઝોન (O3) માં તીવ્ર વધારો થાય છે. આ એ જ સમય છે જ્યારે લાખો લોકો ઓફિસ કે શાળાએ જવા મુસાફરી કરી રહ્યા હોય છે. સવારે હવાની “છીછરા સીમા સ્તર” (નીચી ટોચમર્યાદા) પ્રદૂષકોને જમીનની નજીક ફસાવે છે, જેનાથી માનવ શરીર પર આ ઝેરી વાયુઓની અસર મહત્તમ થાય છે. આ નવો અભ્યાસ પર્યાવરણ નીતિ ઘડવૈયાઓ માટે એક મોટી ચેતવણી સમાન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *