મધ્ય પૂર્વના યુદ્ધનો ફાયદો ઉઠાવી ચીને પૂર્વી સમુદ્ર કિનારે ગુપ્ત રીતે લાદ્યો નો-ફ્લાય ઝોન : 27 એપ્રિલથી 6 મે સુધીના રહસ્યમય હવાઈ પ્રતિબંધોથી જાપાન, દક્ષિણ કોરિયા અને યુએસ લશ્કરી મિશન પર મોટું સંકટ ઉભું થયું છે.
જ્યારે વિશ્વનું ધ્યાન ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ પર કેન્દ્રિત છે, ત્યારે ચીને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં એક અત્યંત ખતરનાક ચાલ ચાલી છે. કોઈ પણ સત્તાવાર જાહેરાત કે લશ્કરી કવાયતના બહાના વગર, ચીને તેના પૂર્વીય સમુદ્ર કિનારાના વિશાળ હવાઈ ક્ષેત્રને સતત 40 દિવસ માટે બંધ કરી દીધું છે. આ પ્રતિબંધિત વિસ્તાર દક્ષિણ કોરિયાના પીળા સમુદ્રથી લઈને જાપાન નજીકના પૂર્વ ચીન સમુદ્ર સુધી ફેલાયેલો છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આટલા લાંબા સમય સુધી આકાશને અવરોધિત કરવું એ ચીનની નવી મિસાઈલ ટેકનોલોજીના પરીક્ષણ અથવા તાઇવાન પર સંભવિત હુમલાની પૂર્વ તૈયારી હોઈ શકે છે.
અમેરિકા માટે આ સ્થિતિ ‘બેવડા જોખમ’ સમાન છે. યુએસ સૈન્ય અત્યારે ઈરાન સામેના યુદ્ધમાં વ્યસ્ત છે, ત્યારે ચીને વ્યૂહાત્મક રીતે આ સમય પસંદ કર્યો છે. આ હવાઈ ‘લોકડાઉન’ ને કારણે જાપાન, દક્ષિણ કોરિયા અને ગુઆમ સ્થિત અમેરિકી બેઝ પરથી ઉડતા જાસૂસી વિમાનો અને બોમ્બર્સ માટે મુશ્કેલી ઊભી થઈ છે.
હવે અમેરિકન વિમાનોએ લાંબા રૂૂટ લેવા પડશે, જેનાથી ઇંધણ અને સમયનો વ્યય થશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 40 દિવસ સુધી અમેરિકા ચીનની લશ્કરી હિલચાલ પર સીધી નજર રાખી શકશે નહીં, જે ડ્રેગનને કોઈ પણ મોટી ગુપ્ત કાર્યવાહી માટે મોકળું મેદાન પૂરું પાડે છે.
