મોરબીની સરા ચોકડી પાસેથી પિતા-પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં 12 વર્ષના સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા મોરબી સારવાર માટે ખસેડાયો હતો અને સારવારમાં મોત થયું હતું.
મૂળ નર્મદા જીલ્લાના વતની હાલ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંજયભાઈ ચંદુભાઈ ભીલ (ઉ.વ.38) નામના યુવાને ટ્રક જીજે 12 બીઝેડ 9082ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 16 ના રોજ સવારે ફરિયાદી અને પુત્ર કલ્પેશ (ઉ.વ.12) બંને શક્તિનગર નકલંક ધામ મંદિરે અષાઢી બીજ હોવાથી દર્શન કરવા જવા નીકળ્યા હતા બાઈક જીએ 23 બીએચ 6469 ફરિયાદી ચલાવતા હતા અને પુત્ર પાછળ બેઠો હતો હળવદ સરા ચોકડી પાસે પહોંચતા પુરપાટ આવતા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેથી પિતા અને પુત્ર બંને રોડ પર પડી ગયા હતા.
દીકરા કલ્પેશને ગુપ્ત ભાગે ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું અને માથામાં તેમજ હાથની કોણી પાસે વાગ્યું હતું 108 એમ્બ્યુલન્સ મારફત મોરબી લઇ ગયા હતા અને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવા ડોકટરે જણાવ્યું હતું અને એમ્બ્યુલન્સમાં રાજકોટ જતા હતા ત્યારે મોરબીથી ચારેક કિમી દુર પહોંચતા દીકરા કલ્પેશની તબિયત વધુ બગડતા મોરબી લાવ્યા હતા જ્યાં સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસને મૃત જાહેર કર્યો હતો હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
ડૂબી જતા મોત
મોરબીના લાલપર ગામ નજીક આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા 34 વર્ષીય યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી 2 ઉમિયાનગરના રહેવાસી દિલીપભાઈ છગનભાઈ સોલંકી (ઉ.વ.34) નામના યુવાને ગત તા.20ના રોજ મોરબી તાલુકાના લાલપર ગામ પાછળ આવેલ પાણીની કેનાલમાં જંપ લગાવી હતી અને કેનાલના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો હતો કે અકસ્માતે ડૂબી ગયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
