મોરબી ટાઈલ્સ ફેકટરીમાં કોલસાના પટ્ટામાં ફસાઈ જતાં બાળકનું મૃત્યુ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ટાઇલ્સ ફેક્ટરીમાં ગત નવેમ્બર માસમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. આ મામલે મધ્યપ્રદેશના બડવાની પોલીસ…

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ટાઇલ્સ ફેક્ટરીમાં ગત નવેમ્બર માસમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. આ મામલે મધ્યપ્રદેશના બડવાની પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાયા બાદ હવે મોરબી તાલુકા પોલીસે કોલસા મશીનના ઓપરેટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના અને મોરબીની કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પરિવારનો 11 વર્ષીય બાળક વિશ્વાસ ગત તા. 17/11/2025ના રોજ રાત્રિના સમયે પોતાના ભાઈ વિશાલ સુરેશ કિરાડેને મોબાઈલનું ચાર્જર આપવા માટે કોલસા મિલ પાસે ગયો હતો. તે દરમિયાન મશીન ઓપરેટર બ્રીજેન્દ્ર રાજાવતની બેદરકારીને કારણે વિશ્વાસ અચાનક કોલસા મિલના ચાલુ પટ્ટામાં ફસાઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટમાં સારવાર બાદ પરિવાર બાળકને વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો, જ્યાં બડવાનીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. 25/11ના રોજ તેનું મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકની છાતી અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈ વિશાલના નિવેદનના આધારે મધ્યપ્રદેશ પોલીસે ઝીરો એફ.આઈ.આર. નોંધી મોરબી પોલીસને કાગળો મોકલ્યા હતા, જેના આધારે હવે મોરબી પોલીસે મશીન ઓપરેટર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *