ગુજરાતમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી આપવામાં અખાડા કરતાં અધિકારીઓ માટે ચેતવણી સમાન ચુકાદો માહિતી અધિકાર આયોગે આપ્યો છે અને ઉપલેટાના ચીફ ઓફિસરને રૂા.25 હજારનો દંડ ફટકારી અપીલ અધિકારી એડિશ્નલ કલેકટર સામે શિસ્તભંગના પગલાં ભરવા સરકારને ભલામણ કરી છે.
આ કેસની વિગત મુજબ, ઉપલેટાના અરજદાર આશિષ અશોકભાઇ લાલકીયાએ કરેલી RTI અરજીમાં તેમને માંગેલી માહિતી આપવામાં આવી ન હતી. જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસર (વર્ગ-1) સી.બી. ડોડીયા દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી, અધૂરી અને ગેરમાર્ગે દોરનારી હતી. આ ઉપરાંત, ઉપલેટા નગરપાલિકા પાસેથી માહિતી મંગાવવાને બદલે અરજી ખૂબ જ મોડી તબદીલ કરવામાં આવી હતી.
આયોગ સમક્ષ ચાલેલી સુનાવણી (અપીલ નં. અ-2210-2025) દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આયોગે અગાઉ કરેલા વચગાળાના હુકમનો બંને અધિકારીઓએ અનાદર કર્યો હતો અને કોઈ ખુલાસો આપ્યો ન હતો. વધુમાં, આયોગ દ્વારા ઇ-મેઇલથી નોટિસ મોકલવામાં આવી હોવા છતાં, અધિકારીઓએ સુનાવણી દરમિયાન “નોટિસ મળી નથી” તેવો ખોટો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ વર્તણૂકને આયોગે અત્યંત ગંભીર ગણાવતા ટકોર કરી હતી કે, “જાહેર જીવનમાં રહીને પબ્લિકના કામો કરતા આ અધિકારીઓ તેમની ફરજ યોગ્યતાથી બજાવી શકતા હશે કે કેમ તેના પર શંકા ઉપજે છે.” આ બાબતમાં માહિતી કમિશનરે નોંધ્યું હતું કે સી.બી. ડોડીયા (PIO) એ જાણી જોઈને માહિતી છુપાવવાનો અને વિવાદીને માહિતી ન મળે તેવો બદઈરાદો રાખ્યો હતો. આથી, RTI એક્ટની કલમ 20(1) મુજબ તેમને રૂૂ. 25,000/- (પચ્ચીસ હજાર) નો મહત્તમ દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમ તેમણે સરકારી તિજોરીમાંથી નહીં પરંતુ પોતાના પગાર કે ભંડોળમાંથી ભરપાઈ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં પ્રથમ અપીલ અધિકારી અને અધિક કલેકટર તરીકે રહેલ ઇલાબેન ચૌહાણ પણ આયોગના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. તેમના આ બેજવાબદાર વર્તન બદલ આયોગે RTI એક્ટની કલમ 20(2) હેઠળ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી (Disciplinary Action) કરવા માટે ગાંધીનગર સ્થિત શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને ભલામણ કરી કરતો હુકમ કર્યો છે ત્યારે માહિતી આયોગનો આ ચુકાદો સરકારી કચેરીઓમાં RTI અરજીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવતા અધિકારીઓ માટે લાલબત્તી સમાન છે.
