શહેરમાં બાળભિક્ષુકો અંગે ચેકિંગ, 8ને મુક્ત કરાવાયા

શહેરમાં બોલપેન કે બુક્સ વેચવાના બહાને ચાર રસ્તા અને ટ્રાફિક સિગ્નલ પર હાથ લંબાવી ભિક્ષાવૃત્તિ કરતા બાળભિક્ષુકો અને અન્ય લોકોને મુક્ત કરાવવા માટે પોલીસ દ્વારા…

શહેરમાં બોલપેન કે બુક્સ વેચવાના બહાને ચાર રસ્તા અને ટ્રાફિક સિગ્નલ પર હાથ લંબાવી ભિક્ષાવૃત્તિ કરતા બાળભિક્ષુકો અને અન્ય લોકોને મુક્ત કરાવવા માટે પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ તથા વિવિધ વિભાગોની સંયુક્ત ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા દરોડા પાડીને કુલ 8 બાળકો, 2 પુરુષો અને 2 મહિલાઓ મળીને કુલ 12 લોકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્તિ અપાવવામાં આવી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા , અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક , ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયા ભિક્ષાવૃત્તિ અટકાવવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉચ્ચ પોલીસ અધિકારીઓની માર્ગદર્શિકા મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે તાત્કાલિક ધોરણે વિવિધ સંબંધિત વિભાગો સાથે મળી આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાળકોના ઉત્થાન અને સંરક્ષણ માટે રચાયેલી આ સંયુક્ત ટાસ્ક ફોર્સમાં રાજકોટ જિલ્લા બાળ સુરક્ષા એકમ ,સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ,મહિલા ભિક્ષુક ગૃહ તથા પુરુષ ભિક્ષુક ગૃહ ,ચાઇલ્ડ હેલ્પ લાઇન ની ટીમ દ્વારા શહેરના વિવિધ મુખ્ય ચાર રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલો અને જાહેર સ્થળો પર ઘન સઘન તપાસ અને વિઝિલન્સ કામગીરી હાથ ધરી હતી. ઘણી વખત માર્ગો પર નાના બાળકો પેન, પુસ્તકો કે અન્ય નાની-મોટી વસ્તુઓ વેચવાના બહાને લોકો પાસે ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હોય છે. આ ટીમે સ્થળ પર જઈ આવા બાળકો અને તેમની સાથે રહેલા પુખ્ત વયના લોકોને ઓળખી કાઢીને આ કામગીરીમાંથી રેસ્ક્યૂ કર્યા હતા.

રેસ્ક્યૂ કરવામાં આવેલા 8 બાળકોને તાત્કાલિક ધોરણે ’ચાઇલ્ડ વેલ્ફેર કમિટી’ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાળ સુરક્ષા કાયદા અને નિયમો અનુસાર ’ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા આ બાળકોના વાલીઓને કમિટી સમક્ષ બોલાવવામાં આવ્યા છે.

વાલીઓનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને તેમને ભવિષ્યમાં પોતાના બાળકો પાસે કોઈપણ પ્રકારની ભિક્ષાવૃત્તિ ન કરાવવા અંગે કડક તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાળકો ભિક્ષાવૃત્તિ છોડીને સમાજમાં એક જવાબદાર નાગરિક બને તે હેતુથી ’સર્વ શિક્ષા અભિયાન’ હેઠળ તેમના મફત અને ફરજિયાત શિક્ષણની યોગ્ય વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ સફળ કામગીરી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પી.આઈ કે. કે. ગોહીલ તથા તેમની ટીમ તેમજ સહયોગી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *