રાજકોટ મનપા દ્વારા દર વર્ષે ધનતેરસની રાત્રે રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાતો આતશબાજીનો કાર્યક્રમ બાળકોથી માંડી વડિલો સહિત હજારોની સંખ્યામાં નગરજનો માણે છે. આમ જનતા માટેના આ કાર્યક્રમમાં આ વખતે આમજનતાનો ખો નીકળી ગયો હતો. વી.આઇ.પી. આમંત્રિતો માટેના ગેટ પર હાઇફાઇ સુવિધા હતી. જ્યારે આમપ્રજા માટેના પ્રવેશદ્વાર પર વ્યવસ્થામાં અંધાધૂંધી સર્જાતા લોકો એકબીજાના ઠેબે ચડ્યા હતા. એક તબક્કે ચાલુ કાર્યક્રમમાં ફટાકડો જ્યા સામાન્ય જનતા માટે મફત એન્ટ્રી હતી તે વિભાગમાં પડતા નાશભાગ મચી ગઇ હતી.
રાજકોટમાં આ વખતે ધનતેરસની આતશબાજીના કાર્યક્રમથી ચાર દિવસના દિવાળી કાર્નિવલનો પ્રારંભ થયો છે. જો કે આતશબાજી દર વર્ષે થાય છે. આતશબાજીનો કાર્યક્રમ શહેરની જનતા માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે. દિવાળી નજીક હોય એટલે લોકો આ કાર્યક્રમની આતૂરતાપુર્વક રાહ જોતા હોય છે. બાળકો સહિત વડિલો સપરિવાર આતશબાજી નિહાળવા ઉમટી પડે છે. આયોજનનું મુખ્ય સ્થળ ક્રિકેટ સ્ટેડિયમ ઉપરાંત રિંગરોડ ફરતે, રેસકોર્સના મેદાનમાં લોકો અગાઉથી જ પરિવાર સાથે ગોઠવાય જાય છે.
આ વખતે હોંશેહોંશે બાળકોને લઇને આતશબાજી નિહાળવા આવેલી આમજનતાને હેરાન થવાનો વારો આવ્યો હતો. પ્રવેશગેટ પાસે વ્યવસ્થામાં અંધાધૂંધી હતી. પુરતી સિક્યુરિટી અને વ્યવસ્થાના અભાવે સામાન્ય જનતા પ્રવેશ મેળવવા માટે ધક્કામૂક્કીએ ચડ્યા હતા. બીજીબાજુ રાજકીય લોકો સહિત વી.આઇ.પી. માટેના ગેટ પાસે હાઇફાઇ સુવિધા હતી. મોટાભાગની સિક્યુરિટી ત્યાં જ ખડકી દેવામા આવી હતી. વી.આઇ.પી.ઓની સરભરામાં આમજનતાના આનંદનો ભોગ લેવાઇ ગયો હતો.
વીવીઆઇપી વધી ગયા, સામાન્ય જનતા માટે ગેટ બંધ કરી દેવાયા, પાળી ઠેકવી પડી
વીવીઆઇપીઓની સરભરામાં વ્યસ્ત સિક્યુરિટી સ્ટાફ આમજનતાની પ્રવેશ વ્યવસ્થાને મેઇન્ટેન કરી શકી ન હતી. વીવીઆઇઓ માટે 4000 પાસ છપાવવા છતા પાસ સાથે નિર્ધારિત સંખ્યાથી વધુ કહેવાતા ‘મોટા માણસો’ આવી ચડતા આમ જનતાની જગ્યાનો ભોગ લેવાયો હતો. ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા 25000ની છે. એ સિવાય આગળ લોખંડની જાળી પાસે ઉભા શકે તે સંખ્યા અલગ. એક તબક્કે સ્ટેડિયમ હકડેઠઠ ભરાઇ ગયુ હતુ. ગેટ બંધ કરી દેવામા આવતા સામાન્ય પબ્લિકને પાળી ઠેકવી પડી હતી. પાળી ઠેકતા હોય તેવા વિડિયો અને ફોટોગ્રાફ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
વડિલો સાથે આવેલા બાળકોને નછૂટકે રિંગરોડી પાળીએ ઉભા રહીને આતશબાજી જોવી પડી
એક એવો સામાન્ય વર્ગ છે કે, જેમના માટે ફેન્સી ફટાકડા ફોડવાની વાત તો દૂર રહી નિહાળવા મળે તો પણ તેમને આનંદ મળે છે. આવા સામાન્ય વર્ગના બાળકોને લઇને દાદા-દાદી કાં તો માતા-પિતા છેક દૂર દૂરથી આતશબાજી જોવા આવ્યા હતા. પરંતુ આમ જનતા માટે જ્યાથી પ્રવેશ આપવાનો હતો તે ગેટ જ બંધ કરી દેવાતા ધક્કામુક્કીમાં બાળકો ચગદાઇ ન જાય તે માટે માવતર તેમના બાળકોને લઇને નિરાશા સાથે કાર્યક્રમ સ્થળેથી ચાલ્યા જઇને રિંગરોડની પાળીએ જ્યા જગ્યા મળે ત્યા ઉભા રહેવા મજબૂર બન્યા હતા. દૂર પાળીએથી બાળકોને આતશબાજી જોવી પડી હતી.
4000 ‘ઘર’ના જ VVIP! મોટાભાગના નેતા-કાર્યક્રરો અન તેના સંબંધીઓ
આતશબાજીનો કાર્યક્રમ શહેરની આમ જનતા માટે હતો કે પછી વીવીઆઇપીઓ માટે? વ્યવસ્થા એવી જ હતી એટલા માટે આવો સવાલ કાર્યક્રમ નિહાળવા આવીને પછી જે હેરાનગતિનો ભોગ બન્યા હતા તેવી સામાન્ય જનતા કરી રહી છે. સ્ટેડિયમના મેઇન પેવેલિયનમાં સોફા-આરામદાયક ખુરશી પર બેસી શકે તેવા વીવીઆઇપીઓ માટે સતાવાર મળેલા આંકડા મુજબ 4000 જેટલા પાસ છપાવવામા આવ્યા હતા. પાસ પ્રિન્ટ થઇને તા.5મીએ સવારે 10 વાગ્યા મનપા કચેરીમાં આવ્યા અને સાંજે 4 વાગ્યે તો સફાચટ પણ થઇ ગયા હતા. આ 4000 પાસ ઘરના જ વીવીઆઇપીઓ પાસે પહોંચી ગયા હતા. તેમાના મોટાભાગના રાજકીય નેતા-કાર્યક્રરો અને તેની સાથે આવેલા તેમના સગા સંબંધીઓ લઇ ગયા હતા.
ફિક્કા લેસર-શોએ મજા બગાડી
આતશબાજી સાથે લેશર-શો પણ રાખવામા આવ્યો હતો. જો કે તેમા કંઇ નવુ આકર્ષણ ન હતુ. હેપી દીવાલી લખેલી ઇમેજની વચ્ચે આર.એમ.સી.માં લેશર-શોની ઝાંખી થાય તેવો ફિક્કો લાગતો હતો. લેશર-શોના કારણે આતશબાજીની ખરી મજા બગડી હતી. ફટાકડાની અલગ અલગ નવી વેરાયટીએ બેશક આકર્ષક જગાવ્યુ હતુ પરંતુ ફિક્કા લેશર શો અને સાથે વ્યવસ્થાની અંધાધૂંધીના કારણે આતશબાજીની ખરા મજા બગડી હોય તેવી ગણગણાટ કાર્યક્રમ પુરો થયા બાદ લોકોમાં સંભળાતો હતો.
