સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો, મોટા ભાગના શહેરોના તાપમાન 40 નીચે

ગઈકાલે 31 મે ના રોજ સમગ્ર રાજ્યના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરને બાદ કરતાં મોટા ભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ 35…

ગઈકાલે 31 મે ના રોજ સમગ્ર રાજ્યના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરને બાદ કરતાં મોટા ભાગના શહેરોમાં ગરમીનું પ્રમાણ 35 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. એટલે કે ગરમીમાં 4 થી 6 ડિગ્રીની રાહત લોકોને મળી હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાઈ વિસ્તારોમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઓખા અને દ્વારકામાં તાપમાન 35 ડિગ્રી આસપાસ જોવા મળ્યું હતું. જ્યારે સૌથી નીચું તાપમાન વેરાવળમાં 33.3 નોંધાયું હતું. દિવમાં પણ ગરમીનો પારો ગગડીને 33.4 થઈ ગયો હતો. પ્રવાસનના સ્થળ પર ગરમી ઘટી જતા પ્રવાસીઓને મોટી રાહત મળી હતી.

સૌરાષ્ટ્રના અન્ય શહેરોની વાત કરીએ તો પોરબંદરમાં તાપમાન 35.2 નલિયામાં 35.1 કંડલામાં 38.5 ભુજમાં 37.4 ભાવનગરમાં 40.5 અમરેલીમાં 39.9 જોવા મળ્યું હતું. જોકે રાજકોટમાં ગઈકાલે ઉચ્ચતમ તાપમાન 40.9 જોવા મળ્યું હતું જેમાં આજે આંશિક રાહત મળી શકે છે.

ગુજરાતના અન્ય મોટા શહેરોની વાત કરીએ તો ગઈકાલે સુરતમાં તાપમાન ઘટીને 35.8, વડોદરામાં 40 ,ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. જો આવનારા બે ત્રણ દિવસોમાં વરસાદી ઝાપટા પડશે તો ગરમીમાં મોટી રાહત મળી શકે છે. જોકે સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાને હજુ ઘણી વાર છે.પરંતુ વાદળછાયુ વાતાવરણ અને વરસાદી ઝાપટા લોકોને થોડી રાહત પહોંચાડી શકે છે.

માણાવદરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા બાદ, આજે વહેલી સવારે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને મેઘરાજાના આગમન સાથે વહેલી સવાર ખુશનુમા બની ગઈ હતી. વહેલી સવારે અંધારપટ છવાઈ ગયા બાદ જોરદાર વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદના અમી છાંટણા શરૂૂ થયા હતા. ભલે આ ચોમાસાનો વિધિવત વરસાદ ન હોય, પરંતુ વાવાઝોડા જેવા માહોલ અને ગાજવીજ સાથે શરૂૂ થયેલા આ વરસાદી છાંટાને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા રોડ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા.

મે મહિનાના અંતિમ દિવસોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી માણાવદરના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં વહેલી સવારે ઠંડા પવનના સુસવાટા અને વરસાદી ઝાપટાં પડતાં જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ અણધાર્યા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *