ભારતીય ખેલ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય પેરા-એથ્લેટ નીરજ યાદવે આત્મહત્યા કરી છે. અહેવાલો અનુસાર, તેમણે પોતાના ઘરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. તેમના મૃત્યુના સમાચાર ભારતીય પેરા-એથ્લેટિક્સ ટીમના મુખ્ય કોચ એસ. સત્યનારાયણે આપ્યા હતા. તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટના સામે આવી છે અને નીરજ યાદવનો મૃતદેહ હાલ હોસ્પિટલમાં છે, જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
એસ. સત્યનારાયણે પુષ્ટિ કરી કે નીરજે આત્મહત્યા કરી છે અને આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ૪૨ વર્ષીય નીરજે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડોપિંગના નિયમોના ઉલ્લંઘનને કારણે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના લીધે તેઓ આ વર્ષે આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા; એવું માનવામાં આવે છે કે આ પ્રતિબંધને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હોઈ શકે છે.
નીરજ યાદવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.નીરજ યાદવ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકનારા સૌથી સફળ પેરા એથ્લેટ્સ પૈકીના એક હતા. તેમણે દેશ માટે ગોલ્ડ મેડલ્સની હેટ્રિક લગાવી હતી. તેમના નિધનના સમાચારથી રમતગમત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
