રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને નિમણૂક બાદ છેલ્લા લાંબા સમયથી જિલ્લા પંચાયતની વિવિધ આઠ સમત્તિઓના ચેરમેન અને સભ્યોના નિમણૂક માટે આજે પ્રમુખ સંજય પીપળીયાના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતની બાકી રહેલી વિવિધ કુલ 8 જેટલી મહત્વની સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં માત્ર સમિતિઓની રચના ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2022-23થી વર્ષ 2025-26 દરમિયાન મંજૂર થયેલા વિવિધ વિકાસકામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કુલ 86 કામો સમયસર પૂર્ણ કરી શકાય તે માટે 31-03-2027 સુધીનો મુદત વધારો આપવાનો મોટો નિર્ણય લેવાયો હતો. આ 86 કામોમાં વર્ષ 2022-23ના 15 કામો, વર્ષ 2023-24ના 3 કામો, વર્ષ 2024-25ના 15 કામો અને વર્ષ 2025-26ના 59 કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જૂન-2025માં યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન ટેકનિકલ રીતે સમરસ થયેલી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપતો અભિનંદન પ્રસ્તાવ સભામાં રજૂ કરાયો હતો. સરકારની સમરસ ગ્રામ યોજના હેઠળ સર્વસંમતિથી ચૂંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઈ મુજબ, રાજકોટ જિલ્લાની આવી ટેકનિકલ સમરસ થયેલી 7 ગ્રામ પંચાયતો માટે રાજ્ય સરકાર તરફથી રૂૂ. 34.75 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવનાર તમામ 7 ગ્રામ પંચાયતોના સરપંચોને સામાન્ય સભામાં પ્રોત્સાહક અનુદાનની રકમ એનાયત કરી અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર જિલ્લામાં નાણાપંચની ગ્રાન્ટના કામો 100% પૂર્ણ કરનારા અન્ય 3 સરપંચોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. બીજા એક મહત્વના પ્રસ્તાવમાં, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિ અને ઓળખ જાળવી રાખવા માટે અમલમાં મૂકાયેલી ’’MAINKEYSTART મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના MAINKEYEND’ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ યોજના હેઠળ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ નિબંધ સ્પર્ધા અને શ્રેષ્ઠ વક્તૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન કરાયું હતું. આ સ્પર્ધાઓમાં ગ્રામ્ય વિસ્તારના કુલ 66 વિદ્યાર્થીઓની પ્રોત્સાહન ઈનામ માટે પસંદગી કરવામાં આવી છે અને તેના માટે કુલ રૂૂ. 5,60,000ની ગ્રાન્ટ ફાળવાઈ છે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર 6 વિદ્યાર્થીઓને જિલ્લા કચેરી ખાતેથી તેમજ તાલુકા કક્ષાના વિજેતાઓને તાલુકા મથકેથી પુરસ્કાર રાશી એનાયત કરવામાં આવશે. તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત વતી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરતો પ્રસ્તાવ સભામાં મંજૂર કરાયો હતો.
આ સાથે જ, જસદણની વિખ્યાત અને ભવ્ય હસ્તકલા જસદણ પટારીને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત GI ટેગ (Geographical Indication) મળવા બદલ સભામાં ભારે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. જસદણની આ વર્ષો જૂની વિરાસત, લાકડા અને તાંબા-પિત્તળના અદ્ભુત મીનાકારી કામને વૈશ્વિક ઓળખ મળવી એ સમગ્ર જિલ્લા અને ગુજરાતની સંસ્કૃતિ માટે ખૂબ ગૌરવની બાબત છે. આ ઐતિહાસિક સિદ્ધિથી સ્થાનિક રોજગારી અને પ્રવાસનને મોટો વેગ મળશે, જેથી આ જીવંત વારસાને સાચવી રાખનાર તમામ કલાકારો, કારીગરો અને નગરજનોને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના આઠ સમત્તીઓના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે પરંતુ આ ચેરમેનને નિમણૂકમાં પણ દિગ્ગજ નેતાઓને ક્યાંક બાદબાકી જોવા મળી છે. જિલ્લા પંચાયતના દિગજ નેતા અર્જુન ખાટરીયા સહિતના કેટલાક નેતાઓના ચેરમેન પદની નામો કપાયા છે.
વિવિધ 8 સમિતિઓ અને નવ નિયુક્ત ચેરમેનોની યાદી
1) કારોબારી સમિતિ ચેરમેન: નરશીભાઈ શંભુભાઈ સોજીત્રા
2) સામાજીક ન્યાય સમિતિ ચેરમેન: જગદીશભાઈ દેવજીભાઈ પરમાર
3) શિક્ષણ સમિતિ ચેરમેન: નીલેશભાઈ અમરશીભાઈ હીરપરા
4) આરોગ્ય સમિતિ ચેરમેન: વિલાસભાઈ વલ્લભભાઈ ઢાંકેચા
5) બાંધકામ સમિતિ ચેરમેન: ભારતીબેન મજબુતભાઈ હુંબલ
6) અપીલ સમિતિ: ચેરમેન સંજયભાઈ પોલાભાઈ પીપળીયા
7) મહિલા અને બાળવિકાસ સમિતિ ચેરમેન: કુંદનબેન વિજયદાન માવલ
8) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન: દેવેન્દ્રભાઈ પરબતભાઈ ઝાપડિયા
