ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તે જણાવ્યું કે આ સમયગાળાની તેના માનસિક સ્વાસ્થ્ય, અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી પર ઊંડી અસર પડી હતી. એક વાતચીત દરમિયાન લેગ સ્પિનર ચહલે જણાવ્યું કે તેને પેનિક એટેક આવવા લાગ્યા હતા. દારૂૂ પીવાની આદત પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બન્યું હતું અને અંતે પોતાની જિંદગીને ફરીથી સંભાળવા માટે તેને 26 દિવસ રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવ્યા પડ્યા હતા.
આકાશ ચોપરાના પોડકાસ્ટમાં હાજરી આપતી વખતે ચહલે ધનશ્રીથી અલગ થયા બાદના પડકારો વિશે વાત કરી હતી. તેણ સ્વીકાર્યું કે એ સમયગાળામાં અંગત જીવનની મુશ્કેલીઓ અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું. ચહલે કહ્યું, “જીવનમાં સંતુલન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો અમલ કરવો સરળ નથી. છૂટાછેડા બાદ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. મારી માનસિક સ્થિતિ સારી નહોતી. મને સમજાયું કે જો હું આ જ રસ્તે આગળ વધતો રહીશ, તો જે વસ્તુને હું સૌથી વધુ પ્રેમ કરું છું, તેને બરબાદ કરી બેસીશ. અને એ છે ક્રિકેટ.”
તેણે વધુમાં કહ્યું, “મુશ્કેલ દિવસોમાં પરિવાર અને મિત્રો જ તમારી સાથે ઊભા રહે છે. ગયા વર્ષે કાઉન્ટી ક્રિકેટ રમ્યા બાદ જ મેં દારૂૂ છોડી દીધો હતો, કારણ કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. હું રિહેબિલિટેશન સેન્ટરમાં રહ્યો હતો. ત્યાં મેં 26 દિવસ વિતાવ્યા હતા. હવે મને ખબર છે કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો.”
પેનિક એટેકને કારણે ચહલને બોલવામાં પણ મુશ્કેલી પડતી હતી. આ સ્થિતિ દરમિયાન તેના હૃદયના ધબકારા ખૂબ જ વધી જતા હતા. આ લક્ષણો અન્ય લોકો પણ સરળતાથી જોઈ શકતા હતા. ચહલે કહ્યું, “ચિંતા એવી હોય છે કે જાણે અંદરથી તમારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગે છે. પેનિક એટેક દરમિયાન મોઢું સંકોચાઈ જતું હતું અને હોઠ એટલા ખેંચાઈ જતા હતા તથા એક બાજુ વળી જતા હતા કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકે કે મારા ચહેરા સાથે કંઈક ગડબડ છે.”
