દેશના અનેક ઉદ્યોગોનો પ્રાણવાયુ પુન: ચાલુ : નિકાસને પ્રોત્સાહન
ભારત સરકારે યુધ્ધ લંબાવાનો અણસાર આવતા વેંત ઝડપથી વિવિધ મંત્રાલયો દ્વારા દેશના જનજીવનની સામાન્ય સુખાકારીઓને યથાવત જાળવવા માટે તાકીદના પગલા લેવાનો નિર્ણય કર્યો છે, જેને કારણે પાટનગર નવીદિલ્હીના લગભગ દરેક મંત્રાલયોમાં પરિસ્થિતિનો તાગ મેળવવા, વિકલ્પો નક્કી કરવા અને રાહતો આપવાની વહીવટીય પ્રક્રિયાનો નવો ધમધમાટ ચાલુ થયા છે. જેમાં નાણાં મંત્રાલય દ્વારા દેશના વિવિધ પેટ્રોલિયમ પેદાશો આધારિત 40 થી વધુ ઉત્પાદનોમાં ડયુટી કામ દ્વારા ઉદાર રાહતો જાહેર કરવામાં આવી છે.
મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા 1 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 40થી વધુ કેમિકલ પ્રોડક્ટ્સ પર હવે ઝીરો બેઝિક કસ્ટમ્સ ડ્યુટી લાગશે. આ રાહત લગભગ ત્રણ મહિના સુધી અમલમાં રહેશે.
આ યાદીમાં બાંધકામ, ઓટોમોટિવ અને ક્ધઝ્યુમર ગુડ્સમાં વપરાતા મુખ્ય કેમિકલ્સ સામેલ છે. કેમિકલ્સમાં મેથેનોલ, એસિટિક એસિડ, ફેનોલ, સ્ટાયરીન, ટૌલિન ડાયસોસાયનેટ (TDI), અને પોલીયોલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલિમર્સમાં PVC(પોલીવિનાઇલ ક્લોરાઇડ), ABS, PET, અને ઇપોક્સી રેઝિન અને ઇન્ટરમીડિએટ્સમાં MEG (મોનોઈથિલિન ગ્લાયકોલ) અને PTA (પ્યુરિફાઈડ ટેરેપ્થેલિક એસિડ)નો સમાવેશ થાય છે.
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, જે પ્રોડક્ટ્સ માટે ભારત આયાત પર નિર્ભર છે, તેના લેન્ડેડ કોસ્ટ (આયાત કિંમત)માં મોટો ઘટાડો થશે. ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરર્સને ફાયદો થશે. પ્લાસ્ટિક, પેકેજિંગ અને ઓટો પાર્ટ્સ બનાવતા સ્થાનિક ઉત્પાદકોને સસ્તો કાચો માલ મળશે. ગ્લોબલ સપ્લાય સામે રક્ષણ મળશે હાલમાં વૈશ્વિક સ્તરે સપ્લાયની જે અનિશ્ચિતતા છે, તેની સામે આ નિર્ણય ભારતીય કંપનીઓને બજારમાં ટકી રહેવામાં મદદ કરશે.
