MSME ઉપર વિશેષ ફોકસ, યુદ્ધના પ્રભાવમાંથી ભારતીય અર્થતંત્રને બહાર લાવવા સરકાર કોવિડ મોડેલ અપનાવશે
કોરોના વખતની ક્રેડિટ સપોર્ટ સ્કીમનો નવો અવતાર હશે આ યોજના
મિડલ ઇસ્ટ સંકટ પર અગાઉ લોકસભાના બન્ને ગૃહોને સંબોધન કરતી વખતે વડાપ્રધાને ‘કોરોના જેવા’ સંયોગોનો ઉલ્લેખ કર્યો ત્યારથી દેશના ઉદ્યોગ, બેન્કીંગ, આવશ્યક ચીજો જેવા વિવિધ સેકટરોને પેકેજની પ્રતિક્ષા હતી. હવે યુધ્ધ એક તો આગળ વધી ગયું છે ઉપરાંત નજીકના ભવિષ્યમાં આ અખાતી તંગદિલી અટકવાના કોઇ અણસાર નથી ત્યારે ભારત સરકારે સમયસૂચકતા વાપરીને ભારતીય અર્થતંત્રને મોટા આંચકા કે ધોવાણમાંથી આગોતરી રીતે ઉગારી લેવા માટે વિશિષ્ટ રાહત પેકેજ જાહેર કરવા તડામાર તૈયારી શરૂ કરી છે જે હવે એના આખરી તબક્કામાં છે.
પ્રારંભીક રીતે આ પેકેજ અંદાજે રૂા. બે લાખ કરોડના અંદાજને સ્પર્શે છે પરંતુ સરકાર એને લંબાવી પણ શકે છે, કારણ કે દેશના સંરક્ષણ સચિવે ગઇકાલે જ કહ્યું હતું કે મે મહીનાના અંત પહેલા અખાતી સંગ્રામનો અંત આવે એમ લાગતુ નથી.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આર્થિક અસરોને જોતા કેન્દ્ર સરકાર મોટા પગલાં લેવાની તૈયારીમાં છે. એનડીટીવી પ્રોફિટના રિપોર્ટ અનુસાર, નાણા મંત્રાલય લગભગ 2 લાખ કરોડની ક્રેડિટ સપોર્ટ સ્કીમ પર કામ કરી રહ્યું છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય એવા સેક્ટર્સને રાહત આપવાનો છે જે મિડલ ઈસ્ટ સંકટથી પ્રભાવિત થઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવિત યોજના કોરોના કાળમાં લાવવામાં આવેલી ’ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS)’ની તર્જ પર તૈયાર કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ સ્કીમને નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ આખરી ઓપ આપી રહ્યો છે અને આગામી 15 દિવસમાં તેને લાગૂ કરવામાં આવી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાનું મુખ્ય ફોકસ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) સેક્ટર પર રહેશે, જે વર્તમાન ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને સપ્લાય ચેઈનમાં અડચણોને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે.
આ યોજના હેઠળ ગેરંટી વગરની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેને સરકારની ગેરંટીનું સમર્થન મળશે. આનાથી નાના વ્યવસાયોને સરળતાથી ફંડિંગ મળશે અને લિક્વિડિટી (રોકડ)ની સમસ્યામાં રાહત મળશે.
અધિકારીઓએ NDTV પ્રોફિટને જણાવ્યું કે, હાલમાં અર્થતંત્ર પર કોઈ તાત્કાલિક સિસ્ટમેટિક દબાણ નથી. પરંતુ પરિસ્થિતિ વધુ વણસવાની આશંકાને જોતા સરકાર પહેલાથી જ તૈયારી કરી રહી છે. આ પગલાને એક “પ્રિકોશનરી કુશન” તરીકે જોવામાં આવી રહ્યા છે, જેથી જરૂૂર પડ્યે અસરગ્રસ્ત સેક્ટર્સને તાત્કાલિક ટેકો આપી શકાય.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભલે આગામી સમયમાં ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો થઈ જાય, પરંતુ પ્રભાવિત સેક્ટર્સમાં રિકવરી આવવામાં સમય લાગી શકે છે. સપ્લાય ચેઈનમાં અડચણો અને ડિમાન્ડમાં અનિશ્ચિતતા આના મુખ્ય કારણો છે.
કોવિડ-19 મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલી ECLGS યોજનાએ લાખો વ્યવસાયોને રાહત આપી હતી અને MSME સેક્ટરને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકાર હવે એ જ મોડેલ અપનાવીને વર્તમાન સંકટનો સામનો કરવાની રણનીતિ બનાવી રહી છે, જેથી આર્થિક પ્રવૃત્તિઓ પર વધુ અસર ન પડે.
ઉચ્ચસ્તરીય પેકેજ કમિટી સક્રિય
મુખ્યત્વે નાણા મંત્રાલય હસ્તક તૈયાર થઇ રહેલા રાહત પેકેજ માટેની ઉચ્ચસ્તરીય કમિટીમાં કૃષિ મંત્રાલય અને વાણિજય મંત્રાલય પણ પોતાના ચીફ અને એડિશનલ સેક્રેટરીઓ દ્વારા જોડાયેલા છે. હજુ બેન્કીંગ સેકટરમાં લોન ધારકો માટે અને વિવિધ આંતરરાજય સ્થળાંતરીત કામદારો માટે સરકાર શું રાહત આપી શકે છે. ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ પરના નિયમનો માટેના હુકમો પણ મુખ્ય પેકેજમા સમાવી લેવાની ધારણા છે.
