સૌરાષ્ટ્રભરમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણી; ઠેર ઠેર શોભાયાત્રા

જયશ્રી રામના ગગનભેદી ઘોષ ગુંજ્યા; પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભકતો જોડાયા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ…

જયશ્રી રામના ગગનભેદી ઘોષ ગુંજ્યા; પુષ્પવર્ષા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, રામ ભકતો જોડાયા

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરોમાં ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. ઠેર ઠેર ભગવાન શ્રીરામની પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી. ત્યારે ધર્મમય માહોલ વચ્ચે ઠેર ઠેર પુષ્પવર્ષા અને સ્વાગતના કાર્યક્રમો યોજાયા હતાં. ઢોલ-શરણાઈના નાદ સાથે યુવાનો ‘શ્રીરામ જય રામ જય જય રામ’ના ગુંજતા નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.

વેરાવળ
વેરાવળ શહેરમાં વખારિયા બજાર સ્થિત ત્રિકમ રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, યુવાનો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા. ડી.જે.ના તાલે તેમજ ઢોલ-શરણાઈ ના નાદ સાથે યુવાનો “શ્રી રામ જય રામ જય જય રામ”ના ગુંજતા નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવી શાંતિપૂર્ણ આયોજન સુનિશ્ચિત કર્યું હતું. શોભાયાત્રાના માર્ગ પર વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા ઠેરઠેર સ્વાગત દ્વારા ઉભા કરી યાત્રા નું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલ વર્ષા, ઠંડા પીણા અને પ્રસાદનું વિતરણ કરી ભક્તો ને આવકારવામાં આવ્યા હતા.

ખંભાળિયા
ખંભાળિયાની જાણીતી હિન્દુ સેવા સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે રામનવમીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી રામની પરંપરાગત શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ગતસાંજે અહીંના શ્રી રામ મંદિર ખાતેથી નીકળી જુદા જુદા રાજમાર્ગો પર ફરી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમમાં ભગવાન શ્રીરામ અને બજરંગબલીના ધાર્મિક ભજન ધૂન સાથે નીકળેલી ભગવાન શ્રીરામની આ પાલખીમાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા અહીંના લુહાર શાળ, ઝવેરી બજાર, મેઈન બજાર, જોધપુર ગેઈટ, શારદા સિનેમા રોડ, નગર ગેઈટ વિગેરે સ્થળોએથી નીકળી, ત્યારે માર્ગમાં વિવિધ સેવા સંસ્થાઓ, વેપારી મંડળો તેમજ સેવાભાવીઓ દ્વારા ઠંડા પીણા, આઈસ્ક્રીમ વિગેરેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધોરાજી
ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું. ધોરાજી ખાતે રામ નવમી નિમિત્તે રામ મંદિર ખાતેથી શોભા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રા ફરી હતી. જેમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા આ સાથે ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ઉઠવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના સ્લોટ પણ જોવા મળ્યા હતા અને ડીજેના તાલે અભાવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધોરાજીના વિવિધ વિસ્તારમાં લોકો દ્વારા શોભા યાત્રા પર ફૂલોનો વરસાદ કવિ શોભાયાતાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ધુનડા
જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણ ધામ આશ્રમ મુકામે આવેલ શ્રી ભાવેશ્ર્વર મહાદેવ મંદિર મુકામે રામનવમીના દિવસે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયેલ જેમાં સદગુરૂ જેન્તીરામ બાપા સત હરિરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ગ્રામજનો વગેરે જોડાયેલ હતાં.

સાવરકુંડલા
ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય મહોત્સવ. આ પાવન અવસરે સાવરકુંડલા નગરી સાક્ષાત ’અયોધ્યા’ ધામમાં પરિવર્તિત થઈ હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ પ્રભુ શ્રીરામનો રજવાડી રથ અને કલાત્મક રીતે શણગારેલા ટ્રેક્ટરોની ઝાંખીઓ રહી હતી. ઢોલ-નગારાના તાલે અને કેસરીયા ધ્વજની લહેરાતી પતાકાઓ વચ્ચે જ્યારે પ્રભુ નગરચર્યાએ નીકળ્યા, ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ગગનભેદી શંખનાદ અને ’જય શ્રી રામ’ના ગુંજારવથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું. આ મહોત્સવની સૌથી દિવ્ય ક્ષણ 5000થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા સામુહિક હનુમાન ચાલીસાના પાઠ હતા. એકસાથે ગુંજી ઉઠેલા મંત્રોચ્ચારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સમૂહગાન સાવરકુંડલાની એકતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બન્યું હતું.

ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા વાજતે ગાજતે ગામના રામ મંદિરથી નીકળીને ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

પ્રભાસપાટણ
પ્રભાસના રામમંદિરોમાં રામ જન્મોત્સવ ના દર્શન અને મહા આરતી બાદ સાંજે લક્ષ્મીનારાયણ મંદિરેથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા ઢોલ શરણાઈ અને કેસરી ધજાકા પતાકા અને વાજીંત્રોના નાદ સાથે નીકળી હતી શહેરના માર્ગો રામરવાડી ને આવકારવા ઠેર -ઠેર કેસરી ધજાપતાકા લગવાયા હતા અને માર્ગમાં ઠેર -ઠેર ભાવિકો તરફથી રામ ભગવાનને પુષ્પહાર કરી દર્શન કરી વધાવતા હતા તેમજ ઠેર -ઠેર ઠંડા પીણા- શરબતો અને છાશના પરબો લગાવી શોભાયાત્રાના ભાવિકોને પ્રસાદી આપવામાં આવી હતી.

કાલાવડ
રામનવમીના પાવન અવસર પર કાલાવડ શહેરમાં ભવ્ય બાઇક શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ચારેય રામ મંદિરો ખાતે પહોંચી ભગવાન શ્રીરામના દર્શન કરી આગળ વધી હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં યુવાનો, ભક્તજનો અને સામાજિક આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા.

કેશોદ
કેશોદમાં અસંખ્ય વાહનોમાં ભગવાન શ્રી રામ ની વિવિધ ઝાંખીઓ સાથે ના શણગારવામાં આવેલ રથમાં અને અસંખ્ય વાહનો ની સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમાં હયે હયુ દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી હતી આમ અલગ અંદાજમાં પ્રભુ શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

મોરબી
આજે રામનવમીના પાવન પર્વે મોરબીમાં સર્વે હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા સાંજે સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી શરુ કરવામાં આવી હતી શોભાયાત્રામાં હજારો હિંદુ ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતાં. શોભાયાત્રામાં ભગવાન શ્રીરામનો રથ ઉપરાંત હિન્દુત્વના પ્રતિક સમાન શિવાજી મહારાજની પ્રતિમા, જેસીબી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા સામાકાંઠેથી શરુ કરીને મયુર પુલ પરથી પરાબજાર, નવાડેલા રોડ, સાવસર પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, વસંત પ્લોટ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ફરીને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ડીજેના તાલે હિન્દુત્વના ગીતો પર યુવાનો મન મુકીને ઝૂમ્યા હતા તો દીકરીઓ તલવાર સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી.

ગોંડલ
ગોંડલ માં રામનવમી ઉત્સવે અક્ષર મંદિર દ્વારા નગરયાત્રા યોજાઈ હતી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જન્મજયંતી અને સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાનની 245મી જન્મજયંતી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું. નગરયાત્રાનો શુભારંભ સાંજે સાડા પાંચ વાગે ભક્તિ હોસ્પિટલ થયો હતો. વિરાટ કળશનું સ્થાપન કરેલ રથ સૌથી આગળ ચાલી રહ્યો હતો. તેને અનુસરતું અક્ષર બેન્ડ, મધુર સુરાવલીઓ રેલાવતું આગળ ચાલી રહ્યું હતું. ત્યારબાદ 750થી વધુ બાળકો – કિશોરો શ્રીરામ સ્વરૂૂપ ધારણ કરી, નગરયાત્રામાં જોડાયા હતા. આ વિરાટ દર્શન, સનાતન સંસ્કૃતિના જયઘોષ સાથે રથયાત્રાની શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *