સી.બી.એસ.ઈ. પરીક્ષા પરિણામોમાં થયેલી ગંભીર ગોટાળા ગેરરીતી – ગોલમાલ અને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ચેડા અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાંની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા આજે માનસિક આઘાતમાં છે. વર્ષો સુધી મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેદરકારીપૂર્વક રમત કરવામાં આવી છે.
છતાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન ધારણ કરીને બેઠા છે ન કોઈ જવાબદારી, ન કોઈ સંવેદના, ન કોઈ સ્પષ્ટતા. સી.બી.એસ.ઈ જેવી રાષ્ટ્રીય સંસ્થાની પરીક્ષા પ્રક્રિયા અને પરિણામ વ્યવસ્થાપનની જવાબદારી Globarena નામની કંપનીને સોંપવામાં આવી. આ જ કંપની અગાઉ COEMPT નામથી તેલંગાણામાં વર્ષ 2019 દરમિયાન ગંભીર વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. નામ બદલાયું હશે, પરંતુ કામ કરવાની રીત અને બેદરકારી એ જ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમગ્ર ઇતિહાસ જાણીતા હોવા છતાં આવી કંપનીને દેશના આશરે 18.5 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સોંપવામાં આવ્યું.
શું સી.બી.એસ.ઈ.એ કંપનીનો રેકોર્ડ ચકાસણી કરી છે કે નહિ ? શું નિયમો અને પ્રક્રિયાઓનું પાલન થયું હતું? કે પછી કોઈ રાજકીય દબાણ અને ગોઠવણ હેઠળ આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો? ભારતમાં કુલ 33,100થી વધુ સી.બી.એસ.ઈ. શાળાઓ છે અને ગુજરાતમાં જ 329થી વધુ સી.બી.એસ.ઈ. શાળાઓ કાર્યરત છે. ધોરણ 10 અને 12ના મળીને આશરે 44.70 લાખ વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત નિર્ણાયક હોય છે. આવા સમયમાં સિસ્ટમની નિષ્ફળતા અને ગેરવ્યવસ્થા વિદ્યાર્થીઓમાં નિરાશા, માનસિક તણાવ અને અવિશ્વાસ ઊભો કરે છે. સી.બી.એસ.ઈ.બોર્ડના વિદ્યાર્થીઓ સતત ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) પર સવાલો ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે OSM ના કારણે તેમનું પરિણામ બગડી ગયું છે.
વિદ્યાર્થીઓની ઉત્તરપત્રિકા ચકાસનાર શિક્ષકે પણ જણાવ્યું કે તેમને અંદાજ હતો કે કોપીઓ યોગ્ય રીતે ચકાસાઈ રહી નથી અને આગળ જઈને સમસ્યા થવાની જ હતી. કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માંગ કરે છે કે, સમગ્ર મામલાની તાત્કાલિક સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ SITની રચના કરવામાં આવે. જવાબદાર અધિકારીઓ અને કંપની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સમયબદ્ધ ન્યાય અને પારદર્શક સુધારાની ખાતરી આપવામાં આવે. કોંગ્રેસ પક્ષ દેશના વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવીએ છીએ કે તેમની મહેનત, તેમના સપનાઓ અને તેમના ભવિષ્યની ચોરી કોઈને કરવા દેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાશે નહીં. યુવાનોના ભવિષ્ય સાથેનો આ ખેલ દેશ ક્યારેય માફ નહીં કરે.
