બંગાળમાં પંચના સાત જજોને બંધક બનાવવાની તપાસ CBIને સોંપાઇ

  પશ્ચિમ બંગાળના માલદામાં મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના વિવાદે હિંસક સ્વરૂૂપ ધારણ કરતા હવે આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવામાં આવી…

 

પશ્ચિમ બંગાળના માલદામાં મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના વિવાદે હિંસક સ્વરૂૂપ ધારણ કરતા હવે આ મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. સીબીઆઇની વિશેષ ટીમ શુક્રવારે માલદાની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કરશે. આ મામલો ત્યારે ગરમાયો જ્યારે ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ બીડીઓ ઓફિસમાં તપાસ કરી રહેલા સાત ન્યાયિક અધિકારીઓને ઘેરી લીધા હતા અને તેમની કારમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા બુધવારે મધ્યરાત્રિએ સુરક્ષા દળોની મોટી ટુકડીએ લાઠીચાર્જ કરીને ત્રણ મહિલા અધિકારીઓ સહિત તમામ ન્યાયિક કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રદર્શનકારીઓએ રસ્તા પર વાંસના થાંભલા નાખીને અવરોધો ઊભા કર્યા હતા જેથી અધિકારીઓ બહાર ન નીકળી શકે. આ અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 28 ફેબ્રુઆરીએ પ્રકાશિત થયેલી યાદીમાં ’વિચારણા હેઠળ’ મુકાયેલા મતોની ચકાસણી કરી રહ્યા હતા, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ચૂંટણી પંચે આ હિંસા અંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) પાસે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી પહેલા જ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ અને હિંસાની આ ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. સીબીઆઇ તપાસ દ્વારા હવે એ શોધી કાઢવામાં આવશે કે આ હિંસા પાછળ કોઈ રાજકીય ષડયંત્ર હતું કે કેમ. 4 મેના રોજ પરિણામો જાહેર થવાના છે, તે પહેલા આ તપાસ રિપોર્ટ અત્યંત નિર્ણાયક સાબિત થશે. આજે દિવસભર નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ માલદા અને કલકતામાં દરોડા પાડયા હતા. જેમાં અત્યાર સુધીમાં કુલ 35 શખ્સોની ઉક્ત બનાવ સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *