AAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનો

રાજકોટ આમ આદમી પાર્ટી (AAP)ના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસની ફરજમાં રૂૂકાવટનો ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે. જામનગર…

રાજકોટ આમ આદમી પાર્ટી (AAP)ના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસની ફરજમાં રૂૂકાવટનો ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે. જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલથી રેલનગર તરફ જતા રસ્તે વાહનો રોકી ટ્રાફિક જામ કરવા તથા પોલીસની કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા અંગે તેમજ મહિલા પી.આઈ સાથે માથાકૂટ કરતા ફરજ રૂૂકાવટની ફરિયાદ નોંધાઈ છે.
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા પીઆઈ સરોજબેન મુળજીભાઈ સોલંકીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સાંઢિયા પુલ ઉતરતા રેલનગર અંડરબ્રિજ તરફના રસ્તે પોલીસ કોન્સ્ટેબલ નિર્મળભાઈ નારણભાઈ તથા પાંચ ટીઆરબી જવાનો ફરજ પર હતા. રાત્રિના આશરે 9.45 વાગ્યા આસપાસ ચાર અજાણ્યા ઇસમો પોતાના ટુ-વ્હીલર રોડ વચ્ચે રાખી બેરિકેટ ખોલાવવાની માંગ સાથે વાહનો રોકી રહ્યા હતા. પોલીસે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ માન્યા નહોતા.

આ દરમિયાન આપના નેતા પદ્મિનીબા વાળા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને સાંઢિયા પુલ તરફથી આવતા વાહનોને આગળ જતાં અટકાવી ટ્રાફિક જામ કર્યો હતો. મહિલા પીઆઈ સરોજબેને તેમને કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ન કરવા અને રસ્તો ખુલ્લો કરવા સમજાવ્યા ત્યારે પદ્મિનીબાએ “અમે રેલનગરમાં રહીએ છીએ અને હેરાન થઈએ છીએ, બેરિકેટ ખોલી નાખો” કહી બોલાચાલી કરી હતી. તેમણે પોલીસને “મને હાથ અડાડવો નહીં, હું અહીંથી હટવાની નથી” તેમ કહી રોડ પરથી ખસવાનો ઇનકાર કર્યો હતો.

બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ હર્ષાબા ગઢવી સહીતની ટીમે આવીને ટોળાને ત્યાંથી દુર કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ પદ્મિનીબા અને તેની સાથેના ચાર શખ્સોએ ગાંધીગ્રામ પોલીસ ટીમ સાથે પણ બોલાચાલી કરી હતી, અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, અગાઉ તા. 16-09-2026ના રોજ પણ આ સ્થળે આવી જ રીતે બેરિકેટ ખોલવા બાબતે ટ્રાફિક જામ થયો હોવાનું રોડ-રસ્તાની સ્થિતિ અંગેની ફરિયાદમાં ઉલ્લેખાયું છે.

પદ્મિનીબા સામે ગુનો નોંધાતા આ બાબતે પદ્મિનીબા વાળાએ પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે, આ રસ્તો બંધ કરવા માટેનું કોઈ પણ પ્રકારનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. પોલીસે પોતાની રીતે જ બેરિકેટ લગાવી રસ્તો બંધ કરી દીધો છે, જેના કારણે રેલનગર વિસ્તારના 35 થી 40 હજાર લોકોને રોજિંદી ભારે અગવડતા પડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “હું પોતે આ વિસ્તારમાં રહું છું અને સ્થાનિકોની તકલીફ સામે લડી રહી છું. પોલીસ રાજકીય હાથો બનીને કામ કરી રહી છે. હું વિપક્ષમાં હોવાથી મારી સામે આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવી કદાચ 100 ફરિયાદો થાય તો પણ મને કોઈ ફેર પડતો નથી; હું સત્ય માટે લડાઈ ચાલુ જ રાખીશ.” હાલ ગાંધીગ્રામ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *