જસદણમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળવાનો મામલો, DNA મેચ થતા યુવતીની ધરપકડ કરાઇ

  જસદણમાં 18 નવેમ્બરના રોજ બાવળની ઝાડીમાંથી મળી આવેલા નવજાત શિશુના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસ બાદ પોલીસે એક અપરિણીત યુવતીની ધરપકડ કરી…

 

જસદણમાં 18 નવેમ્બરના રોજ બાવળની ઝાડીમાંથી મળી આવેલા નવજાત શિશુના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસ બાદ પોલીસે એક અપરિણીત યુવતીની ધરપકડ કરી છે, જેનો DNA રિપોર્ટ બાળક સાથે મેચ થયો છે. ગત 18 નવેમ્બરની રાત્રે જસદણ વિસ્તારમાં સ્થાનિક રહીશોને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા તેમને બાવળની ઝાડીમાંથી ખુલ્લી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી, જેની ટીમે શિશુને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું. બાળકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું.

જોકે, રાજકોટમાં સારવાર દરમિયાન નવજાત શિશુનું દુર્ભાગ્યવશ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેના આધારે કેટલાક મહત્વના કડીઓ મળી હતી અને તપાસ આગળ ધપાવવામાં આવી હતી. બાળકને જન્મ આપનાર યુવતી અપરિણીત છે. પીઆઈ સિધ્ધરાજસિંહ ગોહિલે જણાવ્યું કે શંકાના આધારે એક યુવતીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. શરૂૂઆતમાં યુવતીએ બાળક પોતાનું ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે DNA ટેસ્ટ કરાવ્યો. DNA ટેસ્ટનો રિપોર્ટ આવતા બાળક અને યુવતી વચ્ચે DNA મેચ થયો હોવાનો ખુલાસો થયો. આ આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો કે યુવતી પ્રસુતિ માટે જસદણની પલ હોસ્પિટલ અને માધવ હોસ્પિટલ ગઈ હતી. જોકે, ડોક્ટરોને યુવતીની સ્થિતિ પર શંકા જતા તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાદમાં યુવતીએ પ્રસુતિ પછી રાજકોટની મિરેકલ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા યુવતીએ પ્રસુતિ કઈ જગ્યાએ કરાવી હતી તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે જસદણની અલગ-અલગ હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. સાથે જ યુવતીના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આ કેસમાં જસદણનો એક પરિણીત યુવક પણ સંડોવાયેલો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેને લઈ તપાસનો દાયરો વિસ્તૃત કરવામાં આવ્યો છે. નવજાત શિશુને જન્મ આપ્યા બાદ પરિવારજનો દ્વારા બાળકને બાવળની ઝાડીમાં ફેંકી દેવાયું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જસદણ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ ચાલુ રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *