ગીરગઢડા તાલુકાના કાણકિયા ગામની પોસ્ટ ઓફિસ માં બચત ખાતાના નામે લાખો રૂૂપિયાની કથિત ઉચાપતનો મામલો સામે આવતા ગ્રામજનોમાં ભારે ચકચાર મચી છે. ત્રણ માસ પહેલાં ફરજ પર મુકાયેલા પોસ્ટ માસ્ટર સામે ગામના સાત જેટલા થાપણદારોએ કુલ રૂૂ. 7.93 લાખ પોસ્ટ ઓફિસમાં જમા ન કર્યાના આક્ષેપ કર્યા છે. સમગ્ર મામલે પોસ્ટ વિભાગે વિભાગીય તપાસ શરૂૂ કરી છે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ, કાણકિયા ગામની પોસ્ટ ઓફિસમાં ત્રણ માસ પહેલાં પોસ્ટ માસ્ટર તરીકે દેવાત ભાઈ ગોવિંદભાઈ રામ (રહે. આમળાશ, તા. તાલાળા) ની નિમણૂક કરવામાં આવી હતી. ફરજ સંભાળ્યા બાદ તેમણે ગામમાં પોસ્ટ ઓફિસમાં બચત ખાતાં ખોલાવવા ની ઝુંબેશ ચલાવી હતી. જેના પગલે અનેક ગ્રામજનો એ રૂૂ. 30 હજારથી લઈને રૂૂ. 3 લાખ સુધીની રકમ તેમના મારફતે જમા કરાવી હતી. થાપણદારોનોઆક્ષેપ છે કે પાસબુક અને જમા પહોંચ થોડા દિવસમાં આપી દેવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નહીં.
આ કથિત ઉચાપતમાં સૌથી વધુ અસર ખેતમજૂરી કરીને જીવનનિર્વાહ કરતા લાલજીભાઈ બચુભાઈ કાનાણી (ઉં.50)ને થઈ હોવાનું સામે આવ્યું છે. લાલજીભાઈએ વર્ષોની મજૂરીમાંથી બચાવેલા રૂૂ. 3 લાખ પોસ્ટ ઓફિસમાં વધુ વ્યાજના આશ્વાસનથી જમા કરાવ્યા હોવાનો દાવો કર્યો છે. હવે પોતાની જીવનભરની બચત પરત મળશે કે નહીં તેની ચિંતાએ તેઓ વ્યથિત બન્યા હોવાનું જણાવ્યું છે.થાપણદારોના જણાવ્યા મુજબ લાલજીભાઈ કાનાણીના રૂા.3,00,500, મેઘનાથી પ્રભાતગીરી કેશરગીરીના રૂ.1.30 લાખ, અજયભાઈ બાબુભાઈ રામના રૂા.32,300, ભારતીબેન વનુભાઈ વનરાના રૂા.1.30 લાખ, રણછોડભાઈ વશરામભાઈ જાદવના રૂ.1 લાખ, રામુ ભગવાનભાઈ નાગાભાઈના રૂા.50 હજાર તથા રમેશભાઈ રામભાઈ લાખનોત્રાના રૂ.50 હજાર સહિત કુલ રૂ.7.93 લાખ પોસ્ટ ઓફિસના ખાતામાં જમા થયા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
દરમિયાન ઉના પોસ્ટ ઓફિસના એક અધિકારી કાણકિયા ગામમાં અન્ય કામગીરી માટે પહોંચ્યા ત્યારે પોસ્ટ ઓફિસમાં અનિયમિતતાની જાણ થતાં મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તા. 25 જૂનથી વિભાગીય તપાસ શરૂૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસના રોકડ હિસાબમાં પણ ગેરમિલ સામે આવતાં જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બાદમાં સંબંધિત પોસ્ટ માસ્ટરે થાપણદારો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરી ચેક આપ્યા હતા, પરંતુ એક થાપણદારે ચેક બેંકમાં રજૂ કરતાં તે પરત ફર્યો હોવાનું પણ સામે આવ્યું છે.
બુધવારે (15 જુલાઈ) પોસ્ટ વિભાગના સબ-ડિવિઝનલ ઇન્સ્પેક્ટરે કાણકિયા ગામની મુલાકાત લઈ તમામ થાપણદારોના લેખિત નિવેદનો નોંધ્યા હતા. વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનું તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
