અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોર વચ્ચે કેનેડામાં લિબરલ પાર્ટીની જીત થતાં ડોનલ્ડ ટ્રમ્પને વધુ એક ફટકો પડયો છે કેમ કે 1 કે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની ફરી વડા પ્રધાન બનશે. લિબરલ પાર્ટી આ જીત સાથે ચોથી વખત સત્તામાં આવી છે. લિબરલ પાર્ટીએ સંસદની ચૂંટણીમાં સંસદની 343માંથી 169 બેઠક જીતતાં સ્પષ્ટ બહુમતી નથી મળી પણ 172 બેઠકના બહુમતી આંકડાથી માત્ર 3 બેઠક ઓછી મળી છે તેથી માર્ક કાર્નીની સરકાર આખી ટર્મ પૂરી કરશે એ નક્કી છે. લિબરલ પાર્ટીની મુખ્ય હરીફ ક્ધઝર્વેટિવ પાર્ટી ફક્ત 144 બેઠક જીતી શકી છે.
ક્ધઝર્વેટિવ પાર્ટી માટે ખરાબ વાત એ છે કે, પાર્ટીના નેતા પિયર પોઇલીવરે પોતે લિબરલ પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા છે તેથી લિબરલ પાર્ટી જોરમાં છે. આ પરિણામો અમેરિકા અને ખાસ તો ડોનલ્ડ ટ્રમ્પ માટે મોટા ફટકા સમાન છે કેમ કે માર્ક કાર્ની ઘોર અમેરિકા વિરોધી છે. અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની એન્ટ્રી પછી કેનેડાના તત્કાલિન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને વારંવાર અપમાનિત કરીને તેમને વિદાય થવાની ફરજ પાડી હતી. ટ્રુડોના સ્થાને ડોનલ્ડ ટ્રમ્પ પોતાની કઠપૂતળી જેવા કોઈને વડા પ્રધાન બનાવવા માગતા હતા પણ લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને પસંદ કરીને ટ્રમ્પને ફટકો મારી દીધેલો.
ટ્રુડોના સ્થાને આવેલી માર્ક કાર્ની પહેલેથી અમેરિકા વિરોધી છે તેથી ટ્રમ્પ ઈચ્છતા હતા કે, માર્ક કાર્ની ચૂંટણીમાં હારી જાય પણ ટ્રમ્પની આ મનસા ફળી નથી. કાર્ની વડા પ્રધાન બન્યા ત્યારે લિબરલ પાર્ટીની જીતની શક્યતાઓ ખૂબ ઓછી હતી. લોકપ્રિયતા રેટિંગમાં માત્ર 25 ટકા પોઈન્ટ સાથે લિબરલ પાર્ટી ફરી સત્તામાં નહીં આવે એવું લાગતું હતું પણ માર્ક કાર્નીએ અમેરિકા સામે આકરું વલણ અપનાવીને બાજી પલટી નાંખી.
ડોનલ્ડ ટ્રમ્પે કેનેડા પર 25 ટકા ટેરિફ લાદ્યા તો કાર્નીએ વળતો જવાબ આપીને અમેરિકાના માલ પર 25 ટકા ટેરિફ લાદી દીધા. કાર્નીએ અમેરિકા સામે જેવા સાથે તેવાની નીતિ અપનાવીને જોરદાર જવાબ આપ્યો તેના કારણે કેનેડાની પ્રજા તેમના પર વારી ગઈ અને તેમને ફરી સત્તા સોંપી દીધી. કાર્ની ખાલિસ્તાનવાદીઓના ઓશિયાળા નથી તેથી તેમણે ખાલિસ્તાનવાદીઓ નારાજ થઈ જશે તેની ચિંતા કરવાની જરૂૂર નથી. આ કારણે ભારત સાથેના સંબંધો ફરી મજબૂત કરીને ભારત અને કેનેડા બંનેને ફાયદો કરાવશે એવી આશા વધારે પડતી નથી.
