ભાવનગર જિલ્લામાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે ગ્રામ્ય પંથકની નદી-નાળાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે મહુવા તાલુકામાંથી એક હૃદયધ્રુજાવતી ઘટના સામે આવી છે. આ બનાવ ની વિગત એવી છે કે મૂળ અમદાવાદનો રહેવાસી ચૌહાણ પરિવાર મહુવા તાલુકાના જાંબુડા ગામે પોતાના સગા-સંબંધીને ત્યાં ખરખરા ના કામે આવી રહ્યો હતો. આ પરિવાર જીજે 01 એમટી 4172 (GJ 01 MT 4172) નંબરની કારમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઓથા ગામની વચ્ચે આવેલી ડોંગી નદીના કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ હોવા છતાં કાર આગળ વધારવામાં આવી હતી. જો કે, પાણીનું વહેણ અચાનક વધી જતાં અને પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જોતજોતામાં આખી કાર પાણીના જોરદાર વહેણમાં તણાવા લાગી હતી. કાર નદીના પૂરમાં ફસાતાં જ તેમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને ભયનો માહોલ સર્જાયો હતો.
નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતી જોઈને ઓથા ગામના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે હિંમતપૂર્વક બચાવ કામગીરી શરૂૂ કરી દીધી હતી. કારમાં સવાર હેમાબેન ભરતભાઈ ચૌહાણ, ફાલ્ગુનબેન ચૌહાણ, ક્રિષ્નાબેન ચૌહાણ, સોનલબેન ચૌહાણ, કૌશિકભાઈ ચૌહાણ, નિખિલભાઇ ચૌહાણ, 20 વર્ષીય જીગરભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર સૌરવ રાજપુત સહિતના તમામ 8 લોકોને ભારે જહેમત બાદ એકપછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
કુદરતી આફત વચ્ચે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થતાં લોકોએ ઈશ્વરનો પાડ માન્યો હતો. ઘટના બાદ સ્થાનિક સ્તરેથી જેસીબી મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નદીના પૂરમાં ફસાયેલી અર્ટિગા કારને દોરડા વડે બાંધીને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતને પગલે ઓથા ગામ અને આસપાસના વિસ્તારમાં થોડો સમય માટે ભારે નાસભાગ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો.
