ચોટીલા-જસદણ હાઈવે પર કાર રેલિંગ સાથે અથડાઇ સળગી, 3 મુસાફરોનો બચાવ

ચોટીલા-જસદણ હાઈવે પર શનીવારના સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંઢડા ગામ પાસે એક કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડની લોખંડની…

ચોટીલા-જસદણ હાઈવે પર શનીવારના સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંઢડા ગામ પાસે એક કાર ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડાતાની સાથે જ કારમાં શોર્ટ સર્કિટના કારણે કે અન્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી.

કારમાં ચાલક સહિત અંદાજે 3 જેટલી વ્યક્તિઓ સવાર હતી. અકસ્માત બાદ કારમાં આગની જ્વાળાઓ ઉઠતા જ તમામ મુસાફરોએ ભારે સમયસૂચકતા વાપરી ત્વરિત બહાર નીકળી જવામાં સફળતા મેળવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામનો આબાદ બચાવ થયો છે.

ઘટનાને પગલે હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને કરવામાં આવતા, ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *