શહેરમાં આજથી શરૂૂ થઈ રહેલી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રિ-દિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’ પૂર્વે ફરી ભારે ગરમાવો આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન અને દિવ્ય દરબાર બંધ રાખવાની માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યારે બીજી તરફ વિજ્ઞાન જાથાના વિરોધ પ્રદર્શનોને પોલીસે મંજૂરી ન આપતા હાલ પૂરતા મોકૂફ રખાયા છે.રાજકોટમાં આજથી બાબા બાગેશ્વરની હનુમાન સેતુ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટ પધારશે, જે બાદ સાંજે 7 વાગ્યા આસપાસ રેસકોર્સ મેદાનમાં તેમની હનુમાન કથાનો પ્રારંભ થશે. જે બાદ બીજા દિવસે તેમનો પ્રસિદ્ધ દિવ્ય દરબાર યોજાશે અને ત્રીજા દિવસે હનુમાન કથાની પૂર્ણાહુતિ થશે. ત્યારે તેમના આગમન પહેલા ફરી વિરોધના વંટોળે ગતિ પકડી છે.આજે જ્યારે બાબાની હનુમાન કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
તેમણે ગુરુવારના રોજ પોલીસને એક લેખિત અરજી આપી હતી. આ અરજીના અનુસંધાને એ-ડિવિઝન પોલીસ દ્વારા તેમને રૂૂબરૂૂ બોલાવવામાં આવતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. પરસોતમ પીપળીયાએ પોલીસ પ્રશાસનને બે અલગ-અલગ બાબતો અંગે લેખિત અરજીઓ સુપ્રત કરી છે.રાજકોટના જાગૃત નાગરિક અને વ્હીસલ બ્લોઅર ડો. પુરુષોત્તમ પીપરીયા દ્વારા રાજકોટના પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સમક્ષ એક વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી, જેમાં ડો. પીપરીયાએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે, રાજકોટમાં યોજાનાર ’સનાતન સેતુ હનુમંત કથા’ અંતર્ગત બાબા બાગેશ્વર (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) દ્વારા જે રીતે ’દિવ્ય દરબાર’ અને ’પ્રેત દરબાર’ના નામે અંધશ્રદ્ધાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તેને તાત્કાલિક અટકાવવામાં આવે અને તેવા કાર્યક્રમોની પરવાનગી રદ કરવામાં આવે.
બંધારણના અનુચ્છેદ 51અ(વ) મુજબ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને સુધારણાની ભાવના કેળવવાની પોતાની બંધારણીય ફરજ નિભાવતા ડો. પીપરીયાએ આ રજૂઆતમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, સનાતન પરંપરાની હનુમંત કથાના આયોજન સામે તેમનો કોઈ જ વિરોધ નથી, પરંતુ ધર્મના નામે જે ઢોંગ-ધતિંગ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું ષડયંત્ર રચીને ભોળી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. તેની સામે તેમનો સખત વિરોધ છે અને તે અટકાવવા વહીવટીતંત્રએ તાત્કાલિક કાનૂની પગલાં લેવા અનિવાર્ય છે.
