શહેરમાં ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા અને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન સાથે એન્ટી નાર્કોટીક્સ વિંગની રચના કર્યા બાદ એસઓજી એક્શન મોડમાં આવી છે. યુવાધન નશાના કારોબારથી દુર રાખવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક ઐતિહાસિક અને નિર્ણાયક કદમ ઉઠાવવામાં આવ્યું છે. શહેરમાં ચાલતા ગેરકાયદેસર ડ્રગ્સના નેટવર્ક વિશે સચોટ માહિતી મળી રહે તે માટે એસઓજી દ્વારા એક ખાસ ક્યુઆઆર કોડ જાહેર કરવામાં આવ્યો છે. આ ક્યુઆઆર કોડ સ્કેન કરીને કોઈ પણ નાગરિક અથવા બાતમીદાર ડ્રગ્સ વેચનારા કે હેરાફેરી કરનારાઓ અંગે માહિતી પોલીસ પહોંચાડી શકશે, જેમાં માહિતી આપનારે પોતાનું નામ કે ઓળખ આપવાની સહેજ પણ જરૂૂર રહેશે નહીં. ડ્રગ્સ માફિયા વિરોધી ઝુંબેશ અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગની રચના કરવામાં આવ્યા બાદ હવે, એસઓજી દ્વારા આ એક નવી પહેલ શરૂૂ કરવામ આવી છે. ભૂતકાળમાં ડ્રગ્સના કારોબારીઓ સામે બાતમી આપનારા અનેક ગુપ્ત બાતમીદારો ઉપર જાનલેવા હુમલા થઈ ચૂક્યા છે આ ગંભીર બાબતને ધ્યાને રાખીને જ ડ્રગ્સ વિશે માહિતી આપવા માટે માત્ર હેલ્પલાઈન નંબર પર નિર્ભર રહેવાના બદલે આ ક્યુઆઆર કોડ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી ટેકનોલોજીના માધ્યમથી માહિતી આપનારની ઓળખ સુરક્ષિત રહે.પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા એસીપી ભરત બી. બસીયાની માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પી.આઈ એન.બી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા આ ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. આ મિશનને સફળ બનાવવા માટે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક વિશેષ ક્યુઆઆર કોડ જાહેર કર્યો છે. હવે કોઈપણ નાગરિક પોતાના મોબાઈલથી આ કયું આર કોડ સ્કેન કરીને શહેરમાં ચાલતી ડ્રગ્સ સંબંધિત શંકાસ્પદ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી સીધી પોલીસ સુધી પહોંચાડી શકશે. માહિતી આપનાર નાગરિક કે બાતમીદારની ઓળખ સંપૂર્ણપણે ગોપનીય અને સુરક્ષિત રાખવામાં આવશે. શહેરમાં ક્યાંય પણ ડ્રગ્સનું ખરીદ-વેચાણ થતું હોય, હેરાફેરી થતી હોય કે સંગ્રહ કરવામાં આવ્યો હોય તેવી બાબતોની જાણ કરી શકાશે. નાગરિકો કોઈપણ પ્રકારના ભય કે સંકોચ વિના માહિતી આપી શકશે. પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડ્રગ્સ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહિ પરંતુ તેના પરિવાર, યુવા પેઢી અને સમગ્ર સમાજના ભવિષ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. આથી ડ્રગ્સના દૂષણને ઉખાડી ફેંકવાની આ લડાઈ માત્ર પોલીસ તંત્ર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે. પોલીસે રાજકોટના નાગરિકોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને ’ડ્રગ્સ મુક્ત રાજકોટ’ના નિર્માણમાં સહયોગ આપવા ખાસ અપીલ કરી છે
ડ્રગ્સના દૂષણને ઉખાડી ફેંકવા એસઓજી સાથે હવે એન્ટી નાર્કોટીક્સ વિંગ કાર્યરત
એસઓજીની મુખ્ય કામગીરીમાં ડ્રગ્સ પકડવાની બાબતનો સમાવેશ થતો હતો અને મોટાભાગના કેસો એસઓજી દ્વારા જ કરવામાં આવતા હતા. આમ છતાં, હવે રાજ્યના ડીજીપીની ખાસ સૂચનાથી શહેરમાં એક અલાયદી એન્ટી નાર્કોટીક્સ વિંગ ની પણ રચના કરવામાં આવી છે. આ નવરચિત એન્ટી નાર્કોટીક્સ વિંગમાં એક પીઆઈ તથા જરૂૂરી પોલીસ સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે. આ વિંગને અન્ય તમામ રૂૂટિન કામગીરીમાંથી મુક્ત રાખીને હવે માત્ર ને માત્ર ડ્રગ્સ સંબંધિત ગુનાઓ અને કામગીરી જ કરવાની રહેશે. ડ્રગ્સના દૂષણને ઉખાડી ફેંકવા માટે પોલીસની બે-બે અલગ અલગ યુનિટ્સ એસઓજી અને એન્ટી નાર્કોટીક્સ વિંગની રચના થઈ ગઈ છે.
