રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બમ્પર વધારો, એરિયર્સ પણ ચૂકવાશે

પાંચમા પગારપંચ વાળા કર્મીઓને વધારો જૂન-2026ના પગાર સાથે જ રોકડેથી અપાશે, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ સ્વૈચ્છિક નિર્ણય લઇ શકશે ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં…

પાંચમા પગારપંચ વાળા કર્મીઓને વધારો જૂન-2026ના પગાર સાથે જ રોકડેથી અપાશે, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓ સ્વૈચ્છિક નિર્ણય લઇ શકશે

ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં વિભાગ દ્વારા 2 જૂન 2026 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ અનુસાર, રાજ્યમાં હજુ પણ પાંચમા પગાર પંચ (ગુજરાત રાજ્ય સેવા નિયમો-1998) હેઠળ પગાર મેળવતા બાકી રહેલા તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોંઘવારી ભથ્થા (ઉઅ) માં માતબર વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી રહેતા મોંઘવારી ભથ્થા અને એરિયર્સ (તફાવત) ની રકમ કર્મચારીઓને તબક્કાવાર ચૂકવવામાં આવશે, જેનાથી હજારો કર્મચારીઓમાં આનંદનો માહોલ છે.

અગાઉ 16/10/2024 ના ઠરાવ મુજબ કર્મચારીઓને 381% લેખે ભથ્થું ચૂકવાતું હતું. હવે કોરોના મહામારી દરમિયાન ફ્રીઝ થયેલા ભથ્થાને મુક્ત કરીને 1 જુલાઈ 2021 થી 1 જાન્યુઆરી 2024 સુધીનું કુલ 87% (356% થી 443% સુધીનું) મોંઘવારી ભથ્થાનું એરિયર્સ હપ્તાવાર ચૂકવવાનું નક્કી કરાયું છે.

મોંઘવારી ભથ્થાનો આ વધારો જૂન-2026 ના પગાર સાથે (જે જુલાઈ-2026 માં ચૂકવવામાં આવશે) રોકડેથી અપાશે. મોંઘવારી ભથ્થાની ગણતરી કર્મચારીના મૂળ પગાર + મોંઘવારી પગાર પર કરવાની રહેશે. ગણતરીમાં 50 પૈસા કે તેથી વધુ રકમને આખા રૂૂપિયામાં ગણવામાં આવશે, જ્યારે 50 પૈસાથી ઓછી રકમને ધ્યાને લેવાશે નહીં. આ મોંઘવારી ભથ્થું વળતરના અલગ ભાગ તરીકે જ રહેશે. તેને ગુજરાત મુલ્કી સેવા નિયમો-2002 હેઠળ ’પગાર’ તરીકે ગણવામાં આવશે નહીં.

નાણાં વિભાગના ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પંચાયતો, નગરપાલિકાઓ, બોર્ડ-નિગમો અને અનુદાનિત સંસ્થાઓએ આ મોંઘવારી ભથ્થા અને તફાવતની રકમનો લાભ આપવા માટે પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્વૈચ્છિક નિર્ણય લેવાનો રહેશે. આ વધારાના આર્થિક બોજ માટે રાજ્ય સરકાર દ્વારા જે-તે સંસ્થા કે નગરપાલિકાને કોઈ પણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. તેમજ ચૂકવાપાત્ર તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓ કરતાં વધવો જોઈએ નહીં.

રાજ્ય સરકારના કર્મચારીઓને તા.01/01/2006 ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગારસુધારણા) નિયમો-2009 લાગુ પાડવામાં આવતાં નવા પગારધોરણો ઉપર તા.01/01/2006 થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 અનુસારના પગારધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-1998 હેઠળના પગારધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં છેલ્લે, વંચાણે લીધેલ (4) પરના નાણા વિભાગના તા:16/10/2024 ના ઠરાવ મુજબ હાલમાં પાંચમા પગારપંચ મુજબ પગાર મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને તા.01/10/2024 થી 381% ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે.

કયા-કયા કર્મચારીઓને લાભ મળશે?

ગુજરાત સરકારના આ નિર્ણયનો વ્યાપ ઘણો મોટો છે. આ હુકમો નીચે દર્શાવેલા તમામ પાત્ર કર્મચારીઓ/અધિકારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારના તમામ નિયમિત કર્મચારીઓ (જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે). પંચાયત કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ કે બદલી પામેલા કર્મચારીઓ. સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ. સરકારી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓ. સહાયક અનુદાન મેળવતી (ગ્રાન્ટેડ) અને બિન-અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ. કામ પૂરતા મહેકમના કર્મચારીઓ તેમજ બોર્ડ-નિગમના પાત્ર સ્ટાફ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *