સેન્સેક્સ 2000 અને નિફટી 600 અંક સુધી ઉછળ્યા: વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં મંદી
ભારતીય શેરબજારમાં સોમવારે મોટા કડાકા બાદ આજે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ લાદવાની આપેલી ધમકીની ઐસીતૈસી કરી બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેકસ બે હજાર અંક તથા નિફટી 600 અંકથી વધુ ઉછળ્યા હતા. સેન્સેકસ ફરી 84 હજાર અને નિફટી 25500ની સપાટી વટાવી જતા રોકાણકારોએ સોમવારે ગુમાવેલી રૂા.પાંચ લાખ કરોડની સંપતિ આજે ફરી કમાઇ લીધી હતી.
અમેરિકાએ ભારત સહીતના દેશો ઉપર ટેરિફ લાદવાની તૈયારી કરતા બજારમાં કડાકો બોલશે તેવી દહેશત વચ્ચે બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની ભારે ખરીદીના કારણે બજારને બુસ્ટ મળ્યુ હતું અને બેંકીંગ શેરોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
આજે શેરબજારમાં ફુલ ગુબાબી તેજી સાથે ડોલર સામે રૂપિયામાં પણ 23 પૈસાની મજબુતી જોવા મળી હતી. આજે રૂપીયો 23 પૈસા મજબુત થઇ 92.62 ના સ્તરે પહોંચ્યો હતો.
સેન્સેકસ સોમવારે 82435ના સ્તરે બંધ થયા બાદ આજે 2063 અંક ઉછળી 84498ના ઉંચા સ્તર સુધી પહોંચ્યો હતો. જયારે સોમવારે નિફટી 25346 અંકે બંધ થયા બાદ આજે 25951 અંકનો હાઇ બનાવ્યો હતો. નિફટીમાં એક તબક્કે 602 અંક વધ્યો હતો.
ભારતીય બજારમાં તે જેના મુખ્ય કારણો જોઈએ તો વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.42 ટકા ઘટીને 90.12 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ક્રૂડ ઓઈલમાં આશરે 23 ટકાનો ઘટાડો થતાં ઘરેલુ બજારને મોટો ટેકો મળ્યો છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા સતત થઈ રહેલી ખરીદીએ બજારમાં જોશ ભર્યું છે. ગત ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ ₹5,672.99 કરોડની ઈક્વિટી ખરીદી હતી, જેનાથી વિદેશી ફંડ પ્રવાહનો સકારાત્મક ટ્રેન્ડ વધુ મજબૂત બન્યો છે.
નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2 ટકાથી વધુ વધ્યો હતો. ખાનગી ક્ષેત્રની મોટી બેંકો જેવી કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાં ભારે લેવાલીના કારણે બજારને ઉપર જવામાં મદદ મળી હતી.
તેજી વચ્ચે 217 શેરમાં લોઅયર સર્કિટ
મુખ્ય સૂચકાંકોમાં મોટી તેજી હોવા છતાં બ્રોડર માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બીએસઈ પર કુલ 4,413 શેરોમાં કારોબાર થયો હતો, જેમાંથી 2,022 શેરોમાં તેજી અને 2,124 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 267 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ દરમિયાન 94 શેર પોતાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 141 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 114 શેરોમાં અપર સર્કિટ અને 217 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.
સોના ચાંદી માં હજુ કરંટનો અભાવ, ભાવમાં આજે પણ ઘટાડો
એક બાજુ શેર બજાર બંધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ સોના ચાંદીમાં ગત મધરાત્રે ઘટાડો થયા બાદ આજે પણ ઘટાડાનો દોર યથાવત રહ્યો હતો. આજે પણ સોનામાં 1700 રૂૂપિયાનો ઘટાડો નોંધાતા સોનાનો ભાવ 1,20,850 પર આવી ગયો હતો. ચાંદીમાં પણ ₹3,500 રૂૂપિયાનો ઘટાડો નોંધાતા ચાંદીનો ભાવ ₹1,42,650 પર આવી ગયો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે સોનાનો ભાવમાં હજુ પાંચથી સાત હજાર રૂૂપિયાનો ઘટાડો આવી શકે છે. પરંતુ ત્યારબાદ ફરી એક વખત સોનાની ચમક વધશે.
