રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા ધાર્મિક અને કોમર્શિયલ દબાણો દુર કરવા શરૂ કરવામાન આવેલી ઝુંબેશના ભાગરૂપે કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે સરકારી ખરાબાની 4200 ચોરસ મીટર જમીન ઉપર ઉભા થઇ ગયેલા ઔદ્યોગીક શેડ રાજકોટ પ્રાંત-2 અને કોટડા સાંગાણીના મામલતદાર દ્વારા તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
કલેકટર પ્રભવ જોશીના આદેશથી અને આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ શહેર-2ના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે આવેલ સરકારી ખરાબાના સર્વે નંબર 281 માં આવેલ આશરે 4200 ચો.મી.જમીનમાં ઔદ્યોગિક એકમોનું થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનની અંદાજીત બજાર કિંમત રૂૂ.6.5 કરોડની હોવાનું જણાયું છે.
મામલતદાર જી.બી.જાડેજા તથા નાયબ મામલતદાર દબાણ હિતેન્દ્રસિંહ ચુડાસમા, સર્કલ ઓફિસર સંજયભાઈ રૈયાણી દ્રારા ક્લાર્ક શક્તિસિંહ જાડેજા અને રેવન્યુ તલાટી અમિત બાવળિયા અને પોલીસ બંદોબસ્ત સાથે 4200 ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
આગામી દિવસોમાં શહેરના રૈયા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર રહેણાંક બાંધકામો પણ તોડી પાડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.