જૂનાગઢમાં મહોબ્બત મકબરા પાછળ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું

જૂનાગઢમાં મોહબ્બત મકબરા પાછળના ઐતિહાસિક બુગદા વિસ્તારમાં મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન છેલ્લા 10 થી 15 વર્ષથી થયેલા…

જૂનાગઢમાં મોહબ્બત મકબરા પાછળના ઐતિહાસિક બુગદા વિસ્તારમાં મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન છેલ્લા 10 થી 15 વર્ષથી થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. કુલ 1425 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી. જેની વર્તમાન બજાર કિંમત અંદાજે 6 કરોડ રૂૂપિયા આસપાસ થાય છે અને આ કાર્યવાહીમાં 22 કાચા-પાકા મકાનો તથા દબાણો દૂર કરાયા.

આ ડિમોલિશનની કામગીરી સામે આવતા રાજકારણ પણ ગરમાયું અને કોર્પોરેટરે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યાં હતા. એનસીપીના કોર્પોરેટર અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 100 વર્ષથી રહેતા લોકોના મકાનો પાડી નાખવામાં આવ્યા. આ લોકોએ માત્ર 5 દિવસની મુદત માંગી હતી, પરંતુ મામલતદાર બારિયા તે મુદત ન આપીને ગરીબોને જબરજસ્ત નુકસાન પહોંચાડ્યું છે.

કોર્પોરેટરે વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ જ બુગદા વિસ્તારમાં બે-ત્રણ હોટલવાળા અને મોટા વેપારીઓએ દીવાલ તોડીને 13થી 14 ફૂટ અંદર ગેરકાયદે દબાણ કર્યું છે. અમારી સ્પષ્ટ રજૂઆત હતી કે, પહેલા મોટા વેપારીઓના દબાણો તોડો અને પછી ગરીબોના ઝૂંપડાં તોડો, પરંતુ મામલતદાર કોઈ વાત સાંભળી ન હતી અને સ્થળ પર જોવા પણ ન આવ્યા. ત્યારબાદ એસડીએમ મેડમ આવતા તેમને રજૂઆત કરવામાં આવી હતી.અને દબાણ હટાવવાની ખાતરી આપી હતી. જો આગામી 8 દિવસમાં મોટા વેપારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ફરજ પડશે, કારણ કે ગરીબોના મકાનો તોડી નાખવામાં આવે અને રૂૂપિયાવાળા કે મોટા માથાઓનું ગેરકાયદે બાંધકામ તેમજ રહેવા દેવામાં આવે તે ક્યાનો ન્યાય છે? તેથી અમારી માંગ છે કે બુગદાવાસીને ન્યાય મળે અને ગરીબ માણસોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *