ગીર સોમનાથ જિલ્લામાં 787 હેક્ટર સરકારી જમીન પર ના 3,872 દબાણો દૂર કરી 1257 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હોવાનું જિલ્લા કલેકટરે માહિતી આપી છે. ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ગૌચરની જમીનો પરથી મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના દિશા નિર્દેશ મુજબ આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 3,872 દબાણો દૂર કરવામાં આવ્યા છે. સરકારી જમીનના 92 હેક્ટરમાંથી 1,042 દબાણો હટાવી રૂૂ. 420 કરોડની જમીન મુક્ત કરાઈ છે. આર એન્ડ બી ની 25 હેક્ટર જમીન પરથી 561 દબાણો દૂર કરી રૂૂ. 81 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે.
સૌથી વધુ ગૌચરની 670 હેક્ટર જમીનમાંથી 2,269 દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની કિંમત અંદાજે રૂૂ. 756 કરોડ છે. કુલ મળીને 787 હેક્ટર સરકારી જમીન પરથી રૂૂ. 1,257 કરોડની કિંમતના દબાણો હટાવવામાં આવ્યા છે.વહીવટી તંત્રે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ રજૂઆતો અને સર્વેમાં જણાતા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેનાર છે.
