બ્રિટનનો ‘હ્યુગોે’ વિશ્ર્વનો સૌથી ઉંચો ઘોડો, 890 કિલોનું વજન

ભારતીય ઘોડાઓની વાત કરીએ તો મારવાડી ઘોડા સૌથી ઊંચા, કદાવર અને ચપળ હોય છે. એની ઊંચાઈ પાંચથી સાડાપાંચ ફુટ જેટલી હોય છે. જોકે દુનિયાના સૌથી…

ભારતીય ઘોડાઓની વાત કરીએ તો મારવાડી ઘોડા સૌથી ઊંચા, કદાવર અને ચપળ હોય છે. એની ઊંચાઈ પાંચથી સાડાપાંચ ફુટ જેટલી હોય છે. જોકે દુનિયાના સૌથી ઊંચા ઘોડાની હાઇટ છે 6 ફુટ અને 6 ઇંચ જેટલી. બ્રિટનના નોર્થમ્પ્ટનશરમાં રહેતો 4 વર્ષનો શાયર પ્રજાતિનો હ્યુગો નામનો ઘોડો દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે. એ માત્ર 18 મહિનાનો હતો ત્યારે એનું કદ એક ઍવરેજ ઘોડા જેવડું થઈ ચૂક્યું હતું.બ્રેટ અને લિસા નામના યુગલે પાળેલા આ ઘોડાની હાઇટ 199 સેન્ટિમીટર છે.

હાઇટની સાથે વજન પણ એટલું જ ખાસ છે. સામાન્ય રીતે ઊંચા કદના ઘોડાઓમાં આક્રમકતા આવી જતી હોય છે, પરંતુ પૂરા 890 કિલોનું વજન ધરાવતા હ્યુગો માટે એના માલિક બ્રેટનું કહેવું છે કે કદકાઠીમાં ખૂબ વધારે હોવા છતાં ઘોડાનો સ્વભાવ ખૂબ જ નરમ છે. એક વફાદાર ડોગી જેવો કહ્યાગરો, શરમાળ અને બધા સાથે હળીમળી જાય એવો છે. હ્યુગોની હાઇટને કારણે એના પર ચડવાનું બહુ અઘરું છે. ઘોડા પર ચડવા માટે પાસે ખુરસી કે હોપ-અપ ટેબલ રાખો તો જ એની પીઠ પર ચડવું સંભવ છે.

હાઇટ અને વજનને કારણે હ્યુગોભાઈ સ્થાનિક તહેવારોમાં અને અશ્વો માટે થતા શોઝમાં ખાસ હાજરી આપે છે. પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય રીતે ઘોડાનું કદ 7-8 વર્ષ સુધી થોડું-થોડું વધતું રહેતું હોય છે એનો મતલબ એ કે હજીયે હ્યુગોની હાઇટ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *