જેતપુર શહેરમાં ગઈકાલે જાહેર માર્ગ પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાય તે રીતે આપસમાં ઝઘડો કરતી અને બખેડો ઊભો કરતી 5 મહિલાઓ સામે જેતપુર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલ્યુશન બોર્ડ સામે ઉપવાસ ઉપર ઉતરેલી મહીલા વચ્ચે માથાકુટમાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી મુજબ, જેતપુરમાં આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કચેરી સામે શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડા નામની મહિલાએ સક્ષમ સત્તાધિકારીની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના જ અમુક મહિલાઓને એકત્ર કરી પ્રતીક ઉપવાસ શરૂૂ કર્યા હતા. બપોરના સમયે ઉપવાસ સ્થળે એકત્ર થયેલી મહિલાઓ અંદરોઅંદર ઉગ્ર ઝઘડો કરવા લાગી હતી અને જાહેરમાં અસભ્ય ગાળાગાળી કરવા માંડી હતી.
આ ઘટનાની જાણ થતાં જ જેતપુર સીટી પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઝઘડો કરી રહેલી મહિલાઓને શાંતિ જાળવવા અને અપશબ્દો ન બોલવા માટે ઘણી સમજાવટ કરી હતી. આમ છતાં, આ મહિલાઓએ પોલીસની સમજાવટને ગણકારી ન હતી અને ઝઘડો તેમજ ગાળાગાળી ચાલુ જ રાખ્યા હતા. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક વલણ અપનાવી પાંચેય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા ઝડપાયેલી મહિલાઓમાં શારદાબેન ઉર્ફે કાળીબેન હમીરભાઇ વેગડા, કોમલબેન નરેશભાઇ વેગડા, નીતાબેન નરેશભાઇ વેગડા, સોનલબેન ઉર્ફે કાળીબેન લલીતભાઇ ચાવડા અને અર્પિતાબેન નયનભાઇ ચાવડાની ધરપકડ કરી હતી.
આ પૈકી ચાર મહિલાઓએ યોગ્ય જામીન રજૂ કરતાં તેઓને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડાએ જામીન રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે “મારે જેલમાં જવું છે” તેવું રટણ ચાલુ રાખ્યું હતું અને કોર્ટ સમક્ષ પણ જામીન રજૂ ન કરતાં કોર્ટે તેમને ગોંડલ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલી મહિલાઓ પૈકી શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડા અગાઉ પણ હત્યાની કોશિશ, આપઘાતની દુષ્પ્રેરણા, એટ્રોસિટી અને સરકારી જાહેરનામાના ભંગ સહિતના અંદાજે 15 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. જ્યારે સોનલબેન ઉર્ફે કાળીબેન ચાવડા વિરુદ્ધ પણ પ્રોહિબિશન, જુગારધારા, મારામારી અને લૂંટ સહિતના 41 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.
આ સમગ્ર પ્રશંસનીય અને કડક કામગીરી જેતપુર વિભાગના ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર, પીએસઆઈ આર.બી.બલદાણીયા, મહિલા પીએસઆઈ બી.ડી.મારૂૂ તથા જેતપુર સીટી, તાલુકા અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
