ઓકટોબર મહિનામાં ડીમાન્ડને લીધે મહારાષ્ટ્રમાં 44632 કાર બાદ ગુજરાતમાં 41552 ગાડીઓ વેંચાઇ
તહેવારોની મોસમમાં કારની ખરીદીએ જોર પકડતાં ગુજરાતનું ઓટોમોબાઈલ બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં કારનાં વેચાણમાં ગુજરાતે ઉત્તરપ્રદેશને પાછળ છોડીને દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના આંકડા અનુસાર 28 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કુલ 41,552 કારનું વેચાણ નોંધાયું હતું.
ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર 44,632 કારનાં વેચાણ સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે ગુજરાતે 41,552 કારનાં વેચાણ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં 38,233 કારનું વેચાણ થયું હતું. હરિયાણા 24,131 કાર સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન 23,602 કારનાં વેચાણ સાથે પાંચમા ક્રમે રહ્યાં હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગુજરાત કારનાં વેચાણમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પછી ત્રીજા ક્રમે હતું. આ વર્ષે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન વાહનોની ખરીદીમાં આવેલા ઉછાળાએ ગુજરાતને બીજા ક્રમે પહોંચવામાં મદદ કરી છે.
કાર ડીલરોના જણાવ્યા અનુસાર, વાહનોની વધેલી પોષણક્ષમતા, એન્ટ્રી-લેવલ કારની મજબૂત માગ, એસયુવી પ્રત્યે ગ્રાહકોનો સતત રસ અને નવા મોડલની રજૂઆતને કારણે ગુજરાતમાં કારનાં વેચાણમાં વધારો થયો છે. અમદાવાદના એક કાર ડીલરે જણાવ્યું છે કે રાજ્યમાં કાર ખરીદવા ઈચ્છતા ગ્રાહકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડા બાદ એન્ટ્રી-લેવલ કારની માગમાં સુધારો થયો છે. આ વર્ષે પણ તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. તેના કારણે અગાઉ માત્ર કાર ખરીદવાનું સપનું જોતા ગ્રાહકો અને ટુ વ્હીલર વાપરતા કેટલાક ગ્રાહકો પણ હવે એન્ટ્રી-લેવલ કાર ખરીદવા તરફ વળ્યા છે.
ગુજરાતનું કાર બજાર પરંપરાગત પેટ્રોલ અને ડીઝલ કાર પૂરતું મર્યાદિત રહ્યું નથી. સીએનજી કારની વિવિધતા અને ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) પ્રત્યે પણ ગ્રાહકોનો રસ વધી રહ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશન (ફાડા)ના ટુ વ્હીલર વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રણવ શાહના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સીએનજી વાહનો અને ઈલેક્ટ્રિક વાહનોની માગ સારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો માટેનું ચાર્જિંગ માળખું સુધરતાં ગ્રાહકોનો રસ વધ્યો છે. કંપનીઓ દ્વારા નવાં મોડલ રજૂ કરવામાં આવતાં પણ વેચાણને વેગ મળ્યો છે. ગુજરાતનો ઔદ્યોગિક આધાર, ઝડપથી વિકસતાં શહેરી કેન્દ્રો અને માર્ગોનું મજબૂત જોડાણ રાજ્યને ઓટોમોબાઈલ કંપનીઓ માટે મહત્ત્વનું બજાર બનાવે છે.
