અમદાવાદ હોમગાર્ડ કચેરીમાં બોગસ વોટિંગથી બબાલ

એક જ વ્યક્તિએ 50 બેલેટ પેપરમાં સિક્કા મારી દીધાનો આક્ષેપ, કોંગ્રેસે કચેરીને તાળા મારી પોલીસને ચાવી સોંપી અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ…

એક જ વ્યક્તિએ 50 બેલેટ પેપરમાં સિક્કા મારી દીધાનો આક્ષેપ, કોંગ્રેસે કચેરીને તાળા મારી પોલીસને ચાવી સોંપી

અમદાવાદના બાપુનગરમાં હોમગાર્ડ ઓફિસમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ સર્જાયો હતો. હોમગાર્ડ ઓફિસમાં ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા કરવાની પ્રક્રિયા થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. બેલેટ પેપરમાં એક જ વ્યક્તિ 50 – 50 સિક્કા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી તપાસ કરવા પોલીસ અરજી કરી છે. જેમાં હોમગાર્ડના કમાન્ડર સ્નેહલ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અરજી કરવામાં આવી છે. જોકે હોમગાર્ડની ઓફિસને તાળું મારીને ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર પર એક જ વ્યક્તિ 50થી 60 સિક્કા મારવામાં આવતા હતા. જેથી બાપુનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હોમગાર્ડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતાં. તેમજ તપાસ કરવા ચૂંટણી અધિકારીની હાજરી વગર જ બેલેટ પેપરથી સિક્કા મારવામાં આવતા હોવાથી કોંગ્રેસે હોબાળો કર્યો હતો. જો કે તે બાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ ભાજપ સાથે જોડાયેલો હોવાથી ખોટું ચાલતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. જેમાં પંકજ રાઠોડ, ગૌતમ પરમાર, વિજય જાદવ બેલેટ પેપરમાં સિક્કા મારતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ હોમગાર્ડ કમાન્ડર સ્નેહલ પટેલ અને જવાબદાર ચૂંટણી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. યોગ્ય તપાસ કરી જવાબદાર લોકોને જેલ ભેગા કરવાની પણ કોંગ્રેસે માંગ કરી છે.

હોમગાર્ડ કમાન્ડર ભાજપના પૂર્વ મહામંત્રી : કોંગ્રેસનો આરોપ

 

કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે બેલેટ પેપરમાં સિક્કા મારતા હતા. જેમાં માત્ર હોમગાર્ડનું જ મતદાન થતું હતું. તેમજ હોમગાર્ડ ના વડા બંધારણીય રીતે સરકારના કાર્યકરો છે. અત્યારે જે કમાન્ડર છે તે ભાજપના પૂર્વ મહામંત્રી સ્નેહલ પટેલ છે. ગઈકાલે એક વ્યક્તિ 50થી 60 સિક્કા મારતા હતા. જેથી તપાસ કરવા માટે અમે અંદર ગયા અને વીડિયો ઉતારીને પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ચૂંટણી અધિકારી તો હતા જ નહીં. જેથી વોર્ડના કાર્યકર્તાઓ પણ પહોંચી ગયા હતાં. જેથી મટીરીયલનો નાશ ન થાય તે માટે તાળું મારી દેવામાં આવ્યું હતું. જે બાદ તેની ચાવી પણ પોલીસને સોંપવામાં આવી છે. ચૂંટણી અધિકારી વગર જ ખોટી રીતે બેલેટ પેપરથી મતદાન થતું હોવાથી પોલીસને ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *