રાજકોટમાં રહેતો યુવાન દીવના નાગવા કોસ્ટારમાર રિસોર્ટ સામે કારમાં હતો ત્યારે બેભાન થઈ ગયો હતો. યુવાન લાંબા સમય સુધી પાર્કીંગમાં હોવાની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કારના કાચ તોડી યુવકને બેભાન હાલતમાં બહાર કાઢી હોસ્પિટલે ખાતે ખસેડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને નિષ્પ્રાણ જાહેર કરતાં પોલીસે યુવકના કિસ્સામાંથી મળી આવેલા આધાર કાર્ડ અને મોબાઈલના આધારે રાજકોટ રહેતાં પરિવારનો સંપર્ક કરી યુવકના મોત અંગે જાણ કરી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રહેતા અને હાર્ડવેર સેનેટરીનો વ્યવસાય કરતાં હિતેશભાઈ હસમુખભાઈ સેંજલીયા નામનો 37 વર્ષનો યુવાન દીવના નાગવા કોસ્ટારમાર રિસોર્ટની સામે કારમાં હતો. લાંબા સમય સુધી કારમાં બેઠેલો યુવાન પાર્કીંગમાંથી બહાર નહીં આવતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે કારના કાચ તોડી હિતેશ સેંજલીયાને બેભાન હાલતમાં બહાર કાઢી 108 મારફતે દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.
પોલીસે મૃતક યુવકની તલાસી લેતાં તેની પાસેથી મળી આવેલ મોબાઈલ અને આધારકાર્ડના આધારે મૃતક યુવાન રાજકોટનો હિતેશ સેંજલીયા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે રાજકોટ રહેતાં પરિવારનો સંપર્ક કરી યુવકના મૃત્યુ અંગે જાણ કરી હતી. યુવકના મોતના સમાચાર મળતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ હિતેશ સેંજલીયાના મોતનું કારણ જાણવા મળશે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
