જૂનાગઢ નજીક આવેલા વિલિંગ્ડન ડેમમાં સુખપુર ગામની 42 વર્ષીય મહિલાએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રવાસીઓની નજર પાણીમાં તરતા મૃતદેહ પર પડતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ડેમમાં મગરની હાજરી હોવા છતાં ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
જૂનાગઢ નજીક આવેલા સુખપુર ગામના રહીશ ચંદ્રિકાબેન હરેશભાઈ પરમાર (ઉં.વ. 42)એ વિલિંગ્ડન ડેમમાં કૂદીને અંતિમ પગલું ભરી લીધું હતું. ડેમ વિસ્તારમાં ફરવા આવેલા કેટલાક પ્રવાસીઓની નજર પાણીમાં પડેલા મૃતદેહ પર પડતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડેમના પાણીમાં મગરની હાજરી હોવા છતાં ફાયર વિભાગના જવાનોએ ભારે સમયસૂચકતા અને જહેમત ઉઠાવી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયો છે. મહિલાના અચાનક આપઘાતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જોકે, તેમણે આ પગલું શા માટે ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ અકબંધ હોવાથી પોલીસે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
