ગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલો

સગાઇ કરનાર યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ ગોંડલ તાલુકાના ચોરડી ગામે દીકરીના સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢ પર લાકડાના…

સગાઇ કરનાર યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ

ગોંડલ તાલુકાના ચોરડી ગામે દીકરીના સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢ પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દીકરીની સગાઈના ખુશીના માહોલ વચ્ચે દોહિત્રીના લગ્ન કરાવવા બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા મામલો લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ, ઉપલેટાના પટ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઈ વિઠ્ઠલભાઈ ચારોલીયા (ઉ.વ. 55) ચોરડી ગામે તેમના જમાઈ રમેશભાઈ વાઘેલાની દીકરી મમતાના સગાઈ પ્રસંગમાં પરિવાર સાથે આવ્યા હતા. પ્રસંગની વિધિઓ ચાલી રહી હતી તે દરમિયાન સાંજના આશરે સાત વાગ્યાની આસપાસ ગોંડલના પંચપીરની ધાર વિસ્તારમાં રહેતા જાડો કિશોરભાઈ વાઘેલા અને ચિકુ કિશોરભાઈ વાઘેલા નામના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ રમેશભાઈને ‘તમે મારી બહેનને ક્યાં સંતાડી છે?’ તેમ કહીને ઝઘડો શરૂૂ કર્યો હતો. જ્યારે ફરિયાદીએ વળતો જવાબ આપ્યો કે ‘તમારી બહેન અમારા જમાઈના ઘરે શું કામ આવે?’, ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી જાડા કિશોરભાઈએ પોતાના હાથમાં રહેલો લાકડાનો ધોકો રમેશભાઈના ડાબા પગ પર ફટકારી દેતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ ચિકુ નામના શખ્સે પણ તેમની સાથે ઝપાઝપી કરી હતી.

આ ઘટના આટલેથી જ ન અટકતા, આરોપીઓએ ફોન કરીને અન્ય બે અજાણ્યા માણસોને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. આ ચારેય શખ્સોએ ભેગા મળીને રમેશભાઈ અને તેમના દીકરા સંજય સાથે ગાળાગાળી કરી, ઉગ્ર બોલાચાલી કરીને “જો બીજી વખત અહીં જોવા મળ્યા તો જાનથી મારી નાખીશ” તેવી ગંભીર ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હુમલાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત પ્રૌઢને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગુણવંતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *