મ્યુનિ.કમિશનરના ચેકિંગ દરમિયાન ડામરનું થર પાતળું કરાતું હોવાનું ધ્યાને આવતા જવાબદાર ડે.એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને શો-કોઝ નોટિસ
રાજકોટ શહેરમાં બનતા ડામર રોડ તકલાદી હોવાની બુમારણ વર્ષોથી ઉઠવા પામી છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન મોટાભાગના રોડ ધોવાઇ જતા હોય રોડની ગુણવતા સામે સવાલો ઉભા થયા છે. ચાલુ વર્ષે એકશન પ્લાન અંતર્ગત 200 કરોડથી વધુના ડામર રોડનુ કામ ચાલુ કરવામાં આવ્યુ છે. જેમાં ગોબાચારી ન થાય તે માટે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સતત ફિલ્ડમાં રહી રોડ રસ્તાના કામનુ નિરક્ષણ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ વોર્ડ નં.11માં ભીમનગર ચોક ખાતે ચાલતા ડામર કામનું ચેકિંગ કરતા ડામરની જાડાય અને સપાટી અને ગુણવતા સ્પેસિફિકેશન મુજબ ન હોવાનુ જણાતા કામ કરનાર પ્રદિપ ક્ધસ્ટ્રકશન કંપનીને ડિબાર કરવા શો-કોઝ નોટિસ આપી કામનું ધ્યાન રાખનાર ડે.એન્જિનીયર અને ફિલ્ડ એન્જિનિયરને શો-કોઝ નોટિસ ફટકારતા ચકચાર મચી ગય છે.
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી વિકાસ કામગીરીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા હેતુસર આજે તા.03-02-2026ના રોજ અચાનક ફેરણી કરવામાં આવી હતી. આ ફેરણી દરમિયાન વોર્ડ નં. 11 સ્થિત ભીમનગર ચોક ખાતે ચાલી રહેલી ડામર રોડની કામગીરીની સ્થળ પર જઈને વિસ્તૃત ચકાસણી કરવામાં આવી. ચકાસણી દરમ્યાન ડામર કામગીરીમાં બેદરકારી સબબ એજન્સી, ડેપ્યુટી એન્જિનિયર અને ફીલ્ડ એન્જિનિયર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફેરણી દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ ડામર જાડાઈ, સપાટી, મટિરિયલની ગુણવત્તા તથા ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની સ્વયં ચકાસણી કરી હતી. તપાસ દરમ્યાન કામગીરીમાં ગંભીર બેદરકારી તથા નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું.
ફેરણી દરમિયાન ડામર ગુણવત્તા, જાડાઈ, સપાટી તથા ટેકનિકલ માપદંડોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ડામર કામગીરીમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો પ્રાથમિક તારણ સામે આવતા, જવાબદાર કોન્ટ્રાક્ટર પ્રદીપ ક્ધસ્ટ્રક્શન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ડામર કામગીરીમાં થયેલી ખામી તથા બેદરકારીને ધ્યાનમાં લઈ, પ્રદીપ ક્ધસ્ટ્રક્શનને ભવિષ્યમાં મહાનગર પાલિકાના કોઈપણ કામમાં ભાગ લેવા અયોગ્ય ઠેરવવા અંગે ડિબાર કરવાની કાર્યવાહી માટે શો-કોઝ નોટિસ આપવામાં આવી છે.
આ ઘટનાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેપ્યુટી એન્જિનિયર અને 11 માસના કરાર આધારે ભરતી કરાયેલા ફિલ્ડ એન્જિનિયર દીપકભાઈ વસંતભાઈ ભોજાણીને પણ શો-કોઝ નોટીસ આપવામાં આવેલ.
અધિકારીઓને કમિશનરની ચેતવણી
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે શહેરમાં ચાલતી તમામ વિકાસ કામગીરીમાં ગુણવત્તા, પારદર્શકતા અને જવાબદારી અનિવાર્ય છે. નાગરિક સુવિધાઓને લગતી કોઈપણ કામગીરીમાં બેદરકારી અથવા ઢીલાશ દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ટકાઉ સુવિધાઓ પૂરી પાડવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ હોવાનું આ કાર્યવાહી દ્વારા ફરી એકવાર સ્પષ્ટ થાય છે.
