રાજકોટમાં ભાજપનો ગઢ અકબંધ, 3 બેઠકનું નુકસાન

72માંથી 65 સીટ પર કમળ સોળે કળાએ ખિલ્યુ, ભાજપના તમામ મોટામાથાઓ જીત્યા, નવા મુરતિયાઓએ પણ ધરખમ લીડથી વિજય વાવટો ફરકાવ્યો મનપાના રાજકારણમાં આપને નો-એન્ટ્રીનો જનાધાર,…

72માંથી 65 સીટ પર કમળ સોળે કળાએ ખિલ્યુ, ભાજપના તમામ મોટામાથાઓ જીત્યા, નવા મુરતિયાઓએ પણ ધરખમ લીડથી વિજય વાવટો ફરકાવ્યો

મનપાના રાજકારણમાં આપને નો-એન્ટ્રીનો જનાધાર, આ વખતે આપ પાર્ટી એકાદ-બે સીટ લઇ જશે તેવી ધારણા ખોટી પડી, જો કે અનેક વોર્ડમાં આપ પાર્ટી બીજા નંબરે

 

ભાજપનો ગઢ એવા રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવખત ભગવો લહેરાયો છે. 18 વોર્ડની 72 બેઠકમાંથી 65 સીટ પર કમળ સોળે કળાએ ખિલ્યુ છે. સવારે મતગણતરીની શરૂૂઆતથી જ શહેરની જનતા મનપાનું સુકાન ભાજપને સોંપવા ઇચ્છે છે તે સ્પષ્ટ થવા લાગ્યુ હતુ. મતગણરીના શરૂૂઆતના રાઉન્ડોમાં ઇવીએમ ખુલતાની સાથે જ એકસાથે 60 બેઠક પર ધરખમ લીડ સાથે ભાજપની વિજય કૂચ સળસળાટ દોડવા લાગી હતી. 72માંથી 65 સીટ પર ભગવો લહેરાયો છે. જો કે સામે ગત ટર્મ કરતા 3 બેઠકનું નુકસાન જરૂૂર થયુ છે. આ વખતે આખો વોર્ડ નં.16 ભાજપ પાસેથી કોંગ્રેસે છિનવ્યો છે. શરૂૂઆતથી જ 18 વોર્ડ પૈકી જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નં.16માં જ કોંગ્રેસની પેનલ આગળ હતી. એ સિવાય તમામ વોર્ડમાં કોંગ્રેસને લીડ કાપવી અઘરી પડે તેવી સરસાઇ સાથે ભાજપના તમામ ઉમેદવારો વિજય રથ પર સવાર થવા લાગ્યા હતા. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ જ્યા તોતીંગ લીડ હતી એ વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજય સરઘસ પણ કાઢવા લાગ્યા હતા.

બીજીબાજુ સૌરાષ્ટ્રના રાજકારણમાં હજુ પાપા પગલી કરતી આપ પાર્ટી માટે જ્યા સૌથી મોટી આશા હતી એ વોર્ડ નં.4માં રાહુલ ભુવાની આખી પેનલ તોતીંગ માર્જિન સાથે ભાજપ સામે ભોભીંતર થઇ ગઇ છે. આપ પાર્ટી
ખાતુ ખોલાવી શકી નથી. જો કે આપ પાર્ટીએ ગત ચૂંટણી કરતા જનાધા જરૂૂર વધાર્યો છે. તે અનેક વોર્ડમાં બીજા નંબરે રહી છે. રાજકોટમાં આ વખતે ભાજપ માટે અનેક અટકળોનો દોર હતો. ટિકિટ ફાળવણીમાં સિનિયરોની અવગણનાથી કાર્યકર્તાઓમાં નારાજગી એ મુખ્ય પરિબળ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતુ. આ ઉપરાંત કેટલાક આયાતી ઉમેદવારોને લઇને પણ કાર્યકરોમાં નારાજગી હતી. જો કે આ બધા પરિબળો વચ્ચે પણ ભાજપે રાજકોટનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપને જ્યા નુકસાન ગયુ છે તે અપેક્ષિત પરિણામ વોર્ડ નં.16માં આવ્યુ છે. અહીં સંવેદનશીલ ડિમોલિશન થયુ હતુ એ જંગલેશ્વરનો વિસ્તાર જેમા આવે છે એ એકમાત્ર વોર્ડ નં.16માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા જાહેર થઇ છે. શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપને સર્વાધિક લીડ વોર્ડ નં.9માં જયસુખભાઇ કાથરોટિયાને 16639 મતની મળી છે.

દરમિયાન કોંગ્રેસે આ વખતે ત્રણ બેઠકનો ઇજાફો જરૂૂર મેળવ્યો છે પણ ેક રીતે કહીએ તો જબરી પછડાટ ખાધી છે. 72માંથી 65 બેઠક પર રાજકોટની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. કોંગ્રેસના મોટા ગજાના કહી શકાય તેવા ઉમેદવારોમાં કોંગ્રેસના વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, રણજીત મુંધવા, સંજય અજુડિયા, ઉર્વશીબા જાડેજા, મેહુલ મકવાણા સહિતના હાર્યા છે. કોંગ્રેસની એવી હાલત થઇ છે કે અનેક વોર્ડમાં તે ત્રીજા ક્રમે ધકેલી અને આપ પાર્ટીએ બીજા સ્થાને જનાધાર મેળવ્યો છે. વોર્ડ નં.3માં કોંગ્રેસને બેઠક મળશે એવી ધારણા હતી. અહીં 108 તરીકે ઓળખાતા અતુલ રાજાણી તેમજ મહિલા કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તેમજ મનપામાં અગાઉ વિપક્ષી નેતા રહી ચુકેલા ગાયત્રીબા વાઘેલા જેવા ધરખમ ઉમેદવાર હતા. જો કે સામે પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ(ટીકુભા) હોવાથી તેના નામે આખી પેનલ ભાજપ લઇ ગઇ છે અને કોંગ્રેસ માટે આશાવાદી વોર્ડ નં.3 આખો ગુમાવ્યો છે.

વોર્ડ 16માં ભાજપના વોટશેરનું ‘ડિમોલિશન’ જંગલેશ્વરની જનતાનો રોષ EVMમાંથી નિકળ્યો

જંગલેશ્વરમાં 900થી વધુ મકાનોનુ ડિમોલિશન થયુ ત્યારથી જ ચિત્ર સ્પષ્ટ હતુ કે, ભાજપને આ વિસ્તારમાં મોટુ નુકસાન સહન કરવુ પડશે અને આજે જ્યારે ઇવીએમ ખુલતા જ આ ધારણ સાચી પડી હતી. જંગલેશ્વરની આવરી લેતી વોર્ડ નં.16માં કોંગ્રેસની આખે આખી પેનલ વિજેતા થઇ છે. જંગલેશ્વરમાં હજુ પણ 700થી વધુ મકાનોના ડિમોલશનનો બીજો રાઉન્ડ આવી જ રહ્યો છે એ ત્યાના સૌ રહેવાસીઓને ખબર જ હોય તેનો રોષ આજે ઇવીએમમાંથી નીકળ્યો હતો. કોંગ્રેસના તમામ ઉમેદવારોને જીતાડીને જંગલેશ્વર વાસીઓએ ભાજપ સામે આક્રોષ ઠાલવ્યો છે. ભાજપને આ વખતે જે વોર્ડમાં નુકસાન ગયુ છે તેવા વિસ્તારોમાં વોર્ડ નં.16 અને વોર્ડ નં.15માં ભાજપના વોટશેરમાં તોતીંગ ગાબડું પડ્યુ છે. તેની પાછળનું મુખ્ય કારણ જંગલેશ્વરમાં થયેલુ ડિમોલિશન હોવાનું સ્પષ્ટપણે માની શકાય. જંગલેશ્વરનો મોટાભાગનો વિસ્તાર વોર્ડ નં.16માં આવે છે. જ્યારે તેની સીધી અસર વોર્ડ નં.15માં પડી છે. અહીં કોંગ્રેસ માટે એક મોટો અપસેટ જરૂૂર સર્જાયો છે અને એ છે મજબૂત નેતા અને મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને કમરતોડ હાર આપવામા ભાજપે જરૂૂર સફળતા મેળવી છે પણ સામે જનાધાર મોટો ગુમાવ્યો છે.

 

રાજકોટ કોંગ્રેસમાં મોટો અપસેટ, વશરામ સાગઠિયાની હાર

રાજકોટમાં સતત બે ટર્મથી જીતતા અને અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં પણ ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની હારથી કોંગ્રેસમાં મોટો અપસેટ સર્જાયો છે. એવી ધારણા પણ ન હતી કે આ ધુરંધર નેતા હારશે. જો કે તેની સામે આ જ વોર્ડના કોંગ્રેસમાંથી બળવો કરનાર એકસમયના તેના સાથી અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તેમજ તેમના પતિ પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ ખુલ્લીને ભાજપ તરફી કામ કરીને કોંગ્રેસને ડેમેજ કર્યુ હોવાનું સ્પષ્ટ માની શકાય તેમ છે.
પરાજિત વશરામ સાગઠિયાએ હજુ ગઇકાલે જ એવુ કહ્યુ હતુ કે, બળવાખોર પ્રવીણ સોરાણીથી કંઇ ન થઇ શકે. જો તે કોંગ્રેસને વધીને 1000 મતનું પણ નુકસાન કરી શક્યા હશે તો હું આજીવન ટકો કરાવીને તેમના ઘરે કચરા-પોતા કરીશ. વશરામ સાગઠિયા કહ્યુ પાળી બતાવશે કે કેમ?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *