ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શાસગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં બેસીને જમી રહ્યા હતા એ પહેલાં ચીને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલો શસગામ ખીણ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરેલો. ભાજપના બેશરમ નેતા તો ચીનાઓ સામે કશું બોલ્યા નહીં પણ આપણા આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ શક્સગામ ખીણ વિસ્તાર ભારતનો જ છે અને ચીનનો તેના પર કોઈ અધિકાર નથી એ વાત દોહરાવી છે. ભારત સરકારે અઠવાડિયા પહેલાં જ શાસગામ ખીણમાં ચીન દ્વારા કરાઈ રહેલા બાંધકામ સામે વાંધો લીધેલો. આર્મી ચીફે પણ એ જ વાંધાનું પુનરાવર્તન કર્યું છે.
ચીન શક્સગામ ખીણના વિસ્તારને બથાવીને બેસી ગયું તેના મૂળમાં 1963નો ચીન-પાકિસ્તાન સીમા કરાર છે. પાકિસ્તાનના સરમુખત્યાર અચ્યુબખાને ચીનની સરકાર સાથે કરેલા કરાર હેઠળ કાશ્મીરમાં પાકિસ્તાન અને ચીન વચ્ચેની સરહદ નક્કી કરાઈ છે અને આ વિસ્તારમાં ક્યો પ્રદેશ કોનો એ પણ નક્કી કરાયું હતું.
1959માં ચીને બહાર પાડેલા નકશામાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારોને પોતાના બતાવેલા. તેની સામે અચ્યુબ ખાને વાંધો લીધેલો પણ ચીને તેમને ગણકાર્યા નહોતો. 1960માં પાકિસ્તાને યુનાઈટેડ નેશન્સમાં ચીનની તરફેણમાં મતદાન કર્યું પછી ચીનને હેત ઉભરાયું તેથી પાકિસ્તાન સાથે કરાર કરી નાંખ્યો. આ કરાર ગેરકાયદે છે કેમ કે ચીન અને પાકિસ્તાન બંનેએ તેમનો કોઈ અધિકાર જ નથી એવા ભારતના વિસ્તારોની પણ ભાગબટાઈ આ કરાર હેઠળ કરી લીધી છે. દુનિયામાં બળિયાના બે ભાગ હોય છે.
જે લડવા મેદાનમાં ઉતરે તેની સામે સૌ નમે પણ નહેરૂૂ પાસે એ મિજાજ જ નહોતો તેથી પાકિસ્તાન અને ચીને તેમના વિરોધને ઘોળીને પી જઈને ભારતનો હરામખોરી કરીને પચાવી પાડેલો લગભગ સવા લાખ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર અંદરોઅંદર વહેંચી લીધો. તેમાં કાશ્મીરનો 83 હજાર ચોરસ કિલોમીટરનો અને અક્સાઈ ચીનનો લગભગ 40 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવી ગયો. એ વખતે પાકિસ્તાને શક્સગામ ખીણ વિસ્તાર તેના બાપનો માલ હોય એ રીતે ચીનને આપી દીધો હતો. પાકિસ્તાને 1947માં જમ્મુ અને કાશ્મીરમાં આશરે 83 હજાર ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર ગેરકાયદે અને બળજબરીથી કબજો જમાવ્યો હતો. પીઓકે, ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતના વિસ્તારો બથાવીને બેઠેલા પાકિસ્તાને આ સીમા કરાર હેઠળ, શસગામ ખીણની 5180 ચોરસ કિલોમીટર જમીન ચીનને આપી દીધેલી જ્યારે બાકીની જમીન પોતાની પાસે રાખી. ચીનની વધી રહેલી તાકાતને જોતાં ચીનને તો આપણે પડકારી શકીએ એવી સ્થિતિમાં જ ક્યારેય આવી શકીશું કે કેમ તેમાં જ શંકા છે. આ સંજોગોમાં પીઓકે હોય કે શક્સગામ ખીણ, આપણે નિવેદનબાજીથી વધારે કશું કરી શકીએ એવું લાગતું નથી.
