ભાજપના કોર્પોરેટરો જ વિપક્ષની ભૂમિકામાં, કેતન પટેલે પ્લોટના દબાણોની યાદી માગતા અધિકારીઓ ગેંગેં…ફેંફેં

કેટલા પ્લોટમાં દબાણ છે? દબાણ દૂર કરવા શું પગલાં લીધા? સવાલોના મારા બાદ બે-ત્રણ દિવસમાં જ જવાબો આપવાનો વાયદો, ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે કોઇ વિગત…

કેટલા પ્લોટમાં દબાણ છે? દબાણ દૂર કરવા શું પગલાં લીધા? સવાલોના મારા બાદ બે-ત્રણ દિવસમાં જ જવાબો આપવાનો વાયદો, ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે કોઇ વિગત જ ન હતી!

વોર્ડવાઇઝ દબાણો માટે ટીપી સ્ટાફની જવાબદારી ફિક્સ કરવા કોંગ્રેસની માગણી, નવી બોડીના પ્રથમ જનરલ બોર્ડમાં જ સટાસટી, ખુલીને પ્રશ્નોતરી

રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી નવી બોડીનું આજે પ્રથમ જનરલ બોર્ડ મળ્યુ હતુ. જેમા ખુદ શાસકપક્ષ ભાજપના જ નગરસેવકો વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હતા અને સવાલોની સટાસટી વચ્ચે અધિકારીઓને ચક્રવ્યુહમાં ઘેરી લીધા હતા. ટીપી શાખા આમપણ કૌભાંડોથી ખરડાયેલી છે. ટીઆરપી હત્યાકાંડ પછી ટીપી શાખાના પોણો ડઝન અધિકારીઓ જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. હજુ પણ આ કૌભાંડી શાખાના વહીવટ ઉપર શંકાના અનેક વાદળો આજે જનરલ બોર્ડની ભરી સભા દરમિયાન ઘેરાઇ ગયા હતા.

પ્રશ્નોતરીમાં સૌપ્રથમ ભાજપના નગરસેવક કેતન પટેલનો સવાલ હતો. તેમણે પુછયુ હતુ કે, શહેરમાં ટીપીના કેટલા રિઝર્વેશન પ્લોટ ખુલ્લા છે અને કેટલા પ્લોટમાં દબાણ છે? દબાણ દૂર કરવા માટે અત્યાર સુધી કેવા-કેવા પગલાં લેવાયા છે? દબાણગ્રસ્ત પ્લોટની વોર્ડવાઇઝ માહિતી પણ માગવામા આવી હતી. જો કે સામે ટાઉન પ્લાનર ઓફિસર પરમાર જવાબ આપવામા ગેગેફેફે થઇ ગયા હતા. અમારી પાસે માહિતી તો છે જ પણ હું એકાદ-બે દિવસમાં આપી દઇશ. આવો જવાબ મળતા જ શાસકપક્ષના અન્ય નગરસેવકોએ પણ પેટા સવાલોનો મારી ચલાવ્યો હતો.

શાસકપક્ષ ભાજપમાંથી કેતનભાઇ પટેલ, સંજયભાઇ ચાવડા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.રિંકલભાઇ મેઘાણી, કીર્તિબા રાણા, મહેશભાઇ પીપળિયા, મોહિતસિંહ જાડેજા, પંકજભાઇ લુણાગરિયા, ધૈર્ય પારેખ, શૈલેષભાઇ વસાણી, રાજુભાઇ અઘેરા, દર્શનભાઇ પેંગ્યાતર, જાનકીબેન કાટોડિયા અને રક્ષિતભાઇ કલોલાએ પ્રશ્ન મુક્યો છે. જ્યારે વિપક્ષમાંથી એકમાત્ર સભ્યએ પ્રશ્નોતરીમાં સવાલો મુક્યા હતા. કુલ પ્રશ્નોતરીમાં કુલ 16 નગરસેવકો તરફથી 35 સવાલો રજૂ થયા હતા. પ્રથમ સવાલ કેતન પટેલે ટીપી શાખાને લગતા મુક્યા હતા. શહેરમાં કેટલા રિઝર્વેશન પ્લોટ છે? તેમાથી ખુલ્લા કેટલા છે? કેટલા પ્લોટમાં દબાણ છે? કેટલા વર્ષથી દબાણ છે? આ દબાણ દૂર કરવા માટે તંત્ર તરફથી શું પગલાં લેવાયા છે? દબાણગ્રસ્ત પ્લોટની વોર્ડવાઇઝ માહિતી પણ માગવામા આવી હતી. જો કે મોટાભાગના સવાલો સામે ટાઉન પ્લાનર ઓફિસર પરમાર પાસે કોઇ સ્પષ્ટ જવાબ ન હતા. દબાણગ્રસ્ત પ્લોટની વોર્ડવાઇઝ માહિતી પણ હાજરમાં ન હતી.

નિયમ એવો છે કે, બોર્ડનો એજન્ડા બહાર પડે અને તેની સાથે જ મુકાયેલા પ્રશ્નોના જવાબ સાથે અધિકારીએ જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહેવાનું હોય છે. જે નગરસેવકના સવાલની ચર્ચા જનરલ બોર્ડના નિર્ધારત સમયમાં ન થઇ શકે તેમ હોય તો એ જવાબનો લેખિતમાં જવાબ નગરસેવકને મોકલી દેવામા આવે છે અને સાથે મનપાની વેબસાઇટમાં પણ આ જવાબ જાહેરમાં મુકાતા હોય છે. પરંતુ આજે જ્યારે ટાઉન પ્લાનીંગને લગતા સવાલોમાં દબાણગ્રસ્ત પ્લોટની ચર્ચા બોર્ડ સમક્ષ આવી ત્યારે ટાઉન પ્લાનીંગ અધિકારી પરમાર પાસે કોઇ સ્પષ્ટ જવાબ ન હતો.

ટીપીઓ પરમારે એવુ કહ્યુ કે, અમારી પાસે દબાણગ્રસ્ત પ્લોટની વોર્ડવાઇઝ માહિતી છે. એકાદ-બે દિવસમાં હું આપીશ. આ જવાબ સાંભળીને પ્રશ્નકર્તા કેતન પટેલ ઉકળી ગયા હતા. સાથે ભાજપના અન્ય સાથી નગરસેવકોએ પણ ટીપી શાખાને લગતા એકપછી એક સવાલોનો ચક્રવ્યુહ રચી નાંખ્યો હતો. બીજીબાજુ વિપક્ષના સભ્યો પણ ટીપી શાખાને લગતા આ સવાલ સાથે જોડાઇ ગયા હતા. વિપક્ષ તરફથી એવી માગણી કરવામા આવી હતી કે, ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડો. ટીપી શાખાના અધિકારીની જવાબદારી ફિક્સ કરવામા આવે. જે વોર્ડમાં પ્લોટમાં દબાણ થાય એ વોર્ડના ટીપી શાખાના અધિકારી પાસે ખુલાસો પુછવામા આવે. જો કે વિપક્ષના આ પેટા સવાલો અને માગણીને શાસક ભાજપના સભ્યોએ હોહા..ગોકીરો કરીને ઉડાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

તમારી પ્રથમ ટર્મ છે, આ રીતે વચ્ચેથી બોલો એ યોગ્ય ન કહેવાય, મેયરનો ટોણો સાંભળી વિપક્ષી સભ્યો ઉકળી ઉઠ્યા
પ્રશ્નોતરીમાં સવાલ ભાજપના નગરસેવકનો હતો અને તેની ચર્ચા ચાલતી હતી ત્યારે એ જ સવાલ એટલે કે ટીપી વિભાગને લગતા પેટા સવાલ વિપક્ષના નગરસેવકો પુછવા લાગ્યા હતા. જેને લઇને સભ અધ્યક્ષ મેયર ડો.નેહલ શુક્લે કોંગ્રેસના કોર્પોરેટરોને એવુ કહ્યુ હતુ કે, આ તમારી પ્રથમ ટર્મ છે. આ રીતે વચ્ચેથી ઉભા થઇને બોલો એ યોગ્ય ન કહેવાય. મેયરનો આવો ટોણો સાંભળીને વિપક્ષી સભ્યો ઉકળી ઉઠ્યા હતા.

ચાલુ સભાએ કોંગ્રેસના મહિલા નગરસેવકો અને મહિલા પોલીસ વચ્ચે હાથાપાઇ

પ્રશ્નોતરીમાં પેટા સવાલ સાથે ભાગ લેવા વિપક્ષી સભ્યોમાંથી દેકારો શરૂૂ થતા જ સભા અધ્યક્ષ મેયર ડો.નેહલ શુક્લ સુરક્ષા કર્મીઓને એવો હુકમ કર્યો હતો કે, વિપક્ષી સભ્યોને શાંત કરો. મેયરે એવુ કહ્યુ હતુ કે, જનરલ બોર્ડ પહેલા જ કેટલાક સુધારેલા નિયમો જાહેર કરી દીધા હતા. જેમણે બોલવુ હોય તેમણે હાથ ઉંચો કરવાનો રહેશે. બધાને યોગ્ય તક મળશે જ. જો કે આમછતા કોંગ્રેસની છાવણીએથી પેટા સવાલોનો મારો ચાલુ રહેતા સુરક્ષાકર્મીઓ અને વિપક્ષી સભ્યો વચ્ચે માથાકૂટ થઇ હતી. એક તબક્કે વિપક્ષના મહિલા નગરસેવક અને મહિલા પોલીસ વચ્ચે હાથોહાથની જામી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *