આમરણ ગામથી ફાટસર વચ્ચે આવેલા પુલિયા પાસે પુરપાટ વેગે જતા છકડો રીક્ષાના ચાલકે બાઈકને અડફેટે લીધું હતું બાઈક અને છકડો રીક્ષા અથડાતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જોડિયા મોટાવાસ બંદર રોડ પાસે રહેતા અશગરભાઈ ઈસ્માઈલભાઈ સેડાતે છકડો રીક્ષા જીજે 10 ડબલ્યુ 4202 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 18-10 ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યે ફરિયાદીનો દીકરો મુબારક બાઈક જીજે 10 ડીએલ 5991 લઈને આમરણ ગામથી ફાટસર વચ્ચેના રસ્તેથી જતો હતો ત્યારે પાણીના પુલિયા પાસે છકડો રીક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઈક હડફેટે લેતા ફરીયાદીના દીકરા મુબારકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ રીક્ષા લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા પુરષનો મૃતદેહ મળ્યો
રેલ્વે સ્ટેશન નજીક આવેલ મેડીકલ કોલેજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો અગમ્ય કારણોસર અજાણ્યા પુરુષનું મોત થયું હતું જે બનાવની પોલીસે તપાસ ચલાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તા. 11 ના બપોરના 04 : 30 વાગ્યાના અરસામાં મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર મેડીકલ કોલેજ સામે અજાણ્યો પુરુષ આશરે 40 થી 45 વર્ષ વાળાનં અગમ્ય કારણોસર મોત થયું હતું મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા અને મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
ઝેરી દવાપી યુવકનો આપઘાત
માટેલ ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં 35 વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો અને સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ થાન તાલુકાના વગડીયાનો રહેવાસી હાલ વાંકાનેરના માટેલ રોડ પર સનહાર્ટ સિરામિકમાં કામ કરતો ગીગાભાઈ ભુપતભાઈ સીતાપરા (ઉ.વ.35) નામના યુવાને ગત તા. 10 ના રોજ પોતાના રૂૂમમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
રાજપર ગામેથી બાઇક ચોરાયું
રાજપર ગામની સીમમાં વાડીએ રાખેલ 55 હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મૂળ છોટા ઉદેપુરના વતની હાલ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં વાડીએ રહેતા દેવલાભાઈ તેરીયાભાઈ નાયકા (ઉ.વ.36) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01-11 ના સાંજના છએક વાગ્યાથી તા. 02-11 ના સવારના સાડા સાતેક વાગ્યા દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે 34 આર 2239 કીમત રૂૂ 55,000 વાળું રાજપર ગામની સીમમાં આવેલ વાડીએ રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
