ઈંધણની અછતમાં મોટી રાહત, હોર્મુઝમાંથી 30 જહાજ ભારતભણી

15 LPG-LNG ગેસ, 8માં બલ્ક કાર્ગો અને 7માં ક્રુડ ભરેલું છે, હજુ ડઝન બંધ જહાજ વેઈટીંગમાં પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહત…

15 LPG-LNG ગેસ, 8માં બલ્ક કાર્ગો અને 7માં ક્રુડ ભરેલું છે, હજુ ડઝન બંધ જહાજ વેઈટીંગમાં

પશ્ચિમ એશિયામાંથી ભારત માટે એક અત્યંત સારા અને રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી બંધ રહેલો ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો દરિયાઈ માર્ગ હવે ખુલી ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) થયા બાદ, ભારત માટે ક્રૂડ ઓઇલ અને ગેસ લઈને આવતા જહાજો સતત આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારત આવનારા 30થી વધુ જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે, જ્યારે હજુ પણ ડઝનબંધ જહાજો ત્યાંથી પસાર થવા માટે પોતાની વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ હોર્મુઝ માર્ગ પર ભારે તણાવ સર્જાયો હતો અને તે બંધ જેવો થઈ ગયો હતો. જો કે, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર (MoU) પર હસ્તાક્ષર થયા બાદ આ મહત્ત્વનો દરિયાઈ માર્ગ ફરીથી ખોલવામાં આવ્યો છે.

હોર્મુઝનો આ દરિયાઈ માર્ગ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આર્થિક અને વ્યૂહનીતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. વિશ્વભરમાં થતા કુલ ઊર્જા પુરવઠાનો પાંચમો ભાગ (20%) એકમાત્ર આ જ માર્ગ પરથી પસાર થાય છે.

ભારત માટે કતારથી આવતો ગેસ હોય કે અન્ય ખાડી દેશોમાંથી આવતું ઓઇલ, તે મોટાભાગે આ જ રસ્તેથી દેશમાં મંગાવવામાં આવે છે. ભારત માટે LPG અને LNG ખરીદવા માટે ખાડી દેશો જ મુખ્ય ભાગીદાર છે, જેના કારણે આ માર્ગ ખુલવો ભારતની અર્થવ્યવસ્થા માટે મોટી જીત સમાન છે. શિપિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આવનારા 30 જહાજો અત્યાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે.

આ 30 જહાજોમાંથી 15 માં LPG અને LNG ગેસ, 8 માં બલ્ક કાર્ગો અને 7 જહાજોમાં ક્રૂડ ઓઇલ ભરેલું છે.
ડેટા અનુસાર, 1 માર્ચથી 17 જૂનની વચ્ચે 19 જહાજોએ હોર્મુઝ પાર કર્યું હતું, જ્યારે ઈરાન-અમેરિકા વચ્ચે સમજૂતી થયા બાદ બાકીના 11 જહાજો સુરક્ષિત રીતે નીકળ્યા છે. આમાંથી કેટલાંક જહાજો ભારતીય બંદરો પર પહોંચી ગયા છે અને બાકીના ટૂંક સમયમાં પહોંચશે. આ 30 જહાજોમાંથી 17 વિદેશી ફ્લેગ ધરાવતા છે, જેમાં સૌથી વધુ 5 જહાજો માર્શલ આઇલેન્ડ્સના છે.

26 જહાજો હજુ પણ હોર્મુઝ પસાર કરવાની રાહમાં
અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે, ભારત સાથે જોડાયેલા 26 જહાજો હજુ પણ પર્શિયન ગલ્ફમાં અટવાયેલા છે અને હોર્મુઝ પાર કરવા માટે પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. પર્શિયન ગલ્ફ એ હોર્મુઝની પશ્ચિમે આવેલું છે. આ 26 જહાજોમાં ભારતીય ઝંડાવાળા અને ભારત આવી રહેલા વિદેશી ઝંડાવાળા બંને પ્રકારના જહાજોનો સમાવેશ થાય છે. આ અટકેલા જહાજોમાંથી 3 જહાજોમાં ઇંધણ, 10 જહાજોમાં ફર્ટિલાઇઝર અને બાકીના 13 જહાજોમાં અન્ય વિવિધ સામગ્રી લાદવામાં આવેલી છે. જો કે, માર્ગ ખુલી જતાં હવે ટૂંક સમયમાં જ આ જહાજો પણ ભારત તરફ રવાના થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *