વર્તમાન મંત્રી મંડળમાં યોગ્ય સ્થાન ન મળતા નારાજગી, મંત્રી મંડળમાં ઓછામાં ઓછા બે મંત્રી મળવા જોઈએ તેવી માંગ, નોટામાં જવાની ધમકી, સંમેલનમાં રાજકીય મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ચર્ચા-વિચારણા કરાશે
ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના રીશફલીંગ બાદ મંત્રીમંડળનુ કુલ કદ 26નુ થઈ ગયું છે. દિવાળી પહેલા જ ગુજરાતમાં નવા મંત્રીઓ આવ્યા છે. ત્યારે સરકારના આ કેબિનેટ રિશફલિંગથી એક સમાજ નારાજ છે.
ગુજરાતના રાજકારણ અને રાજકીય પક્ષોમાં બ્રાહ્મણ સમાજની સતત અવગણનાને લઈને ભૂદેવો નારાજ થયા છે. અને હવે સરકાર સામે મોરચો માંડવાનો નક્કી કરી લીધું છે.
ગુજરાતના બ્રાહ્મણ સમાજે રાજકારણમાં થતી અવગણનાને પગલે બાંયો ચઢાવી છે. રાજકોટમાં રાજકીય પક્ષોને મોટો મેસેજ આપવા માટે બ્રાહ્મણ સમાજ ડિસેમ્બરમાં મહાસંમેલન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા વિવિધ પક્ષોમાં ખાસ કરીને વર્તમાન સત્તાધીશ ભાજપની અંદર બ્રાહ્મણ સમાજના આગેવાનોને સાઈડલાઈન કરવામાં આવી રહ્યાનો આરોપ સમાજ દ્વારા કરાયો છે.
વર્તમાન મંત્રીમંડળની અંદર પણ બાહોશ ભૂદેવ નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યા છે. બ્રાહ્મણ સમાજના ઓછામાં ઓછા બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવા જોઈએ તેવી માંગ સમાજ દ્વારા કરાઈ છે.
સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના આગેવાન મિલનભાઈ શુક્લએ જણાવ્યું કે, હાલ ગુજરાત ખાતે 95 ટકા બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા છે, છતાં પણ અમને સ્થાન મળતું નથી. ચૂંટણી આવે છે પણ અમને અન્યાય થાય રહ્યો છે તેવી લાગણી છે.
રાજ્યમાં 70 લાખની વસ્તી ધરાવતો સમાજ આજે અવગણના ભોગવે છે. અમે રાષ્ટ્રવાદી છીયે એટલે અન્ય પક્ષમાં જવાને બદલે નોટા અપનાવી શકીએ. સંમેલન વિશે માહિતી આપતા બ્રહ્મ સમાજના આગેવાનોએ કહ્યું કે, બ્રહ્મ સમાજની દરેક રાજકીય પક્ષો ઉપેક્ષા કરી રહ્યા છે. તેને કારણે ગામડા અને સંગઠનોની લાગણી દુભાઈ છે.
આગામી સયમમાં 7 ડિસેમ્બર રાજકોટ ખાતે ગુજરાતનુ મહાસંમેલન કરવા જઈ રહ્યાં છે. અમે તબક્કવાર સંમેલન કરીશું. લોકશાહીમાં દરેક રાજકીય પક્ષો બ્રાહ્મણોની સતત અવગણના થઈ રહી છે. અમારા સમાજના નેતાઓની પણ ઉપેક્ષા થઈ રહી છે. અમને જ્ઞાતિ, કે જાતિ સામે વાંધો નથી. પણ વારંવાર જાતીય સમીકરણનો સાચવીને મંત્રીમંડળ બનાવતા હોય, તો બ્રાહ્મણ સમાજની 65 થી 70 લાખની વસ્તી છે, ઓછામાં ઓછા અમને બે મંત્રી મળવા જોઈતા હતા.
